પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર :૩

૬૨


હાથ લંબાવ્યો, તેવો જ આપાએ એનું કાંડું ઝાલીને એને ઘોડી ઉપર ખેંચી લીધો; પોતાના ખોળામાં બેસાડી લીધો, લખીના પડખામાં એક એડી મારી અને સાદ કર્યો : “ભણેં બાવાજી, હાલ્ય, હાંક્યે રાખ્ય તાળી પંખણીને ! હવે ઘોડાં ભેડવવાને મજો આવશે.”

“અરે આપા ! ભૂંડી કરી !” કહીને બાવાએ પણ પોતાની ઘોડી ચાંપી. ખોળામાં બેઠેલો છોકરો ચીસો પાડવા લાગ્યો. ઊભી બજારે તમામ વાણિયા હાટ ઉપર ઊભા થઈ ગયા અને હેઠા ઊતર્યા વિના જ બૂમો પાડવા લાગ્યા: “એ જાય ! ચેાર જાય ! વરરાજાને ઉપાડી જાય ! કાઠી જાય ! ”

ગામના નગરશેઠનો દીકરો : મોડબંધો વરરાજો : અને વળી અંગ ઉપર બે હજાર રૂપિયાનું ઘરાણું ! એ લૂંટાય તે વખતે કાંઈ ગામનો રાજા છાનોમાનો બેઠો રહે કદી ? કડિંગ ધીન કડિંગ ધીન ! કોઠા ઉપર મરફો થયો, અને પલક વારમાં તો પાંચસો ઘોડેસવારો લૂંટારાની બે ઘોડાએાની પાછળ ચડી નીકળ્યા.

પાછળ જેમ વાદળું ચડ્યું હોય તેમ વહાર ચાલી આવે છે. પણ બેય ભાઈબંધની રાંગમાં એવી તો કસેલી ઘોડીઓ છે કે દરબારી ઘોડાં પહોંચી શકે તેમ નથી. હરણાંની માફક ફાળ ભરતી ભરતી ને ઘડીક વળી પારેવાંની જેમ તરવર તરવર પગલાં પાડતી એ ઘોડીઓ પાંચસો ઘોડાંની વચ્ચે એટલું ને એટલું અંતર રાખતી આવે છે. આપો પાછળ નજર નાખતા આવે છે, વરરાજો તો ધાકમાં ને ધાકમાં હેબતાઈ ને ચુપચાપ બેઠો છે. એમ કરતાંકરતાં આપાએ જોઈ લીધું કે પાંચસો ઘોડાંમાંથી પાંચ-દસ, પાંચ- દસ ધીરેધીરે ડૂકતાં આવે છે, અને મોયલાં ઘોડાં થોડું થોડું અંતર ભાંગતાં જાય છે.