પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૮૨

આલગ વાઘાં[૧] ઉપડ્યે, ઝાકયો કણરો[૨] ન જાય,
મેંગળ[૩] રે મૂઠીમાંય, રે'કીં[૪] ધખિયો[૫] રાણાઓત.[૬]

જે વખતે ઘોડા ઊપડે છે તે વખતે આલેક કોઈનો રોક્યો રોકાય નહિ. માતેલો હાથી કાંઈ મૂઠીમાં રહી શકે છે ?

”અરે. રંગ રે ગઢવા ! નાની એક ગામડીનો બાપડો કાઠી તારો સીસાણો !” ખડખડ હસીને ઠાકોર બોલ્યા.

“તો કરો પારખું. પણ ચેતી જાજો હો, બાપુ ! આલેકડો આખી ફોજમાંથી મોવડીને જ વીણી લે છે; બીજા ઉપર એનો ઘા નો'ય !”

ગઢવીએ આવીને સરલામાં આલેક કરપડાને ખબર દીધા કે જીવાજી ઠાકોર ત્રાટકશે. આલેકે જવાબ દીધો : “ભણે, ગઢવા ! ઠાકોરને કે'જે કે તમે આવશો ત્યારે પાણીનો કળશિયો ભરીને સરલાને પાદર હુંય ઊભો રહીશ; બીજું તો અમારું ગજું શું ?”

સેના લઈને મોરબીના ઠાકોરે સરલા ગામ ઉપર સવારી કરી. સાંજ ટાણે ગામની સીમમાં દાખલ થયા. બરાબર એ જ ટાણે એક વેલડું એ ફોજની આગળ સરલાને માર્ગે ચાલ્યું જતું હતું. ઠાકોરે પડકાર કર્યો : “કોણ છે, માફામાં ?”

વોળાવિયાએ કહ્યું : “સરલાવાળા આલેક કરપડાની મા છે.”

જીવાજી ઠાકોરને એટલી જ જરૂર હતી. મોરબીનો મેલીકાર બે ભાગમાં વહેચાઈ ગયો. વચ્ચે બરાબર વેલડું રાખ્યું. એમ આખી સવારી ચાલી આવે છે. રાણા કરપડાએ

સરલાના કોઠા ઉપરથી નજર કરી, વેલડું એાળખ્યું. એણે


  1. ૧. વાઘ - ઘોડાની લગામ (વાઘાં બહુવચન).
  2. ૨. કોઈનો.
  3. ૩. હાથી.
  4. ૪.રહી.
  5. ૫. રોષભર્યો.
  6. ૬. રાણાનો દીકરો (ઉત=સુત).