પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંજલિ ગીતો
૯૭
 



જેણે કલમ ધરી નિજ કરમાં રાખી અંત સુધી બહુ તેજ,
જેણે ટેક ધરી કીધી કુરબાની સ્વીકારી નિજ ફેજ;
જેણે મમરા પૌંઆ ફાક્યા,
કોરા કૈંક દિનો નિજ આંક્યા;
ગુર્જરીની સેવા કાજે એ ભૂખિયો દુખિયો સૂતો સેજ :
આત્માનો એ કોણ અમીર ? -
ખાખી એ નર્મદવીર !
લાખી એ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !


ઘંટી કાળતણી ફરતી ત્યાં નહિ તખ્ત રહ્યાં નહિ તાજ,
રાજા પ્રજા વિભવ ને લક્ષ્મી, સૌ મોટાઇ થશે તારાજ :
પણ આ વાણીના મંદિરમાં
પુષ્પ ગૂંથાયાં જેના શિરમાં,
તેની અક્ષત કીર્તિ તપે જગમાં, છે તેનો અમર અવાજ !
એ તો સરસ્વતીનો પીર :
એવો કવિ નર્મદવીર !
દેવોનો નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !