પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૨
રાષ્ટ્રિકા
 


પાસે વ્હેતું અમરઝરણું કાલરેખા સમું ત્યાં,
ઊંડા એના ઉરસલિલમાં તત્ત્વ છે કૈંક ગૂંથ્યાં;
એ લીલામાં સુભગ ઝગતી વાટિકા આ હસંત,
આવી જાણે રસરસ થતી આ વિરાજે વસંત ! ૪

(વસંતતિલકા)

એ વાટિકામહીં વસે અધિદેવી એની,
ગાઈ ગયા જગ ઘણા જન કીર્તિ જેની;
પ્રેમી, સુકોમલ, વિલાસી, મીઠી, રસીલી,
દેવી જુએ ફરતી આજ વસંત ખીલી. ૫

જે દેવમૂર્તિ પ્રિય બાલક સ્નેહમીઠાં
પામ્યાં પ્રસાદ અમી દેવીકરેથી દીઠાં,
આ વાટિકામહીં પ્રીતે સહુ તે પધારે,
દેવીતણું ઉર ભરે કલગાનધારે. ૬

બેસી તહીં ઝરણ પાસ વિલાસી દેવી
એ બાળની રમત સ્નેહથી જોય એવી :
કો મોરલી નિજ ઘડીભર ત્યાં સુણાવી
ચાલી જતું પલકમાં નિજને છુપાવી. ૭

કો પુષ્પ સાથ રમતું રમતું હસે છે,
કો પક્ષીને પકડવા ધૂનમાં ધસે છે :
દેવી વિહાર સહુનો હરખાતી જોતી
વેરે અમીકુસુમ સર્વની પાસ મો'તી. ૮