પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



રહેવાથી સંસારની બધી ગડબડથી તે બચી ગઈ. કોલાહલ શૂન્ય મકાનના એક એકાંત ઓરડામાં બેસીને તે મન ખોલીને ભગવાનની પ્રાર્થના કરવા લાગી. સગાંસંબંધીઓએ મીરાંનો ત્યાગ કર્યો, પણ ભક્તવત્સલ ભગવાને તેને પોતાની તરફ વધારે આકર્ષિત કરી. મીરાંબાઈએ હવે ખુલ્લી રીતે સાધુસંતોનો સત્કાર કરવાનું અને તેમની પાસે ભગવાનના ગુણાનુવાદ સાંભળવાનું શરૂ કર્યું. સાધુસંન્યાસીઓ વગર સંકોચે મેવાડની પુત્રવધૂના મહેલમાં આવજા કરે છે, એ સમાચાર ધીમે ધીમે રાણાના મહેલમાં પહોંચ્યા અને તેઓ મીરાં ઉપર ઘણાજ ક્રોધે ભરાયા, મેવાડના કુળને મીરાં આ પ્રમાણે કલંક લગાડે, એ કોઈને પણ રુચ્યું નહિ. મીરાંની એક નણંદ ઉગ્ર ચંડિકાના જેવું રૂપ ધારણ કરીને મીરાંને ધમકાવવા આવી કે, “તમે મહારાણાના ઘરનાં વહુ થઈને, આમ સાધુસંતોને વગર સંકોચે તમારા મહેલમાં આવવા જવા દો છો, એ ઘણીજ શરમની વાત છે. તમારે ઈશ્વરનું ભજન કરવું હોય તો એકલાં બેસીને કરો. અમારા કુળને શું કામ કલંક લગાડો છો?” સાધ્વી મીરાંએ નણંદનો બધો ઠપકો શાંત ચિત્તે સહન કરીને પ્રભુને પ્રાર્થના કરીઃ “હે ગિરિધારિ! મારી સાસુ કેવી નિષ્ઠુર અને નણંદ પણ કેવી કજિયાખોર છે? આ કષ્ટ મારાથી કેમ સહન થાય ? પણ હું ગિરિધર, તારી ખાતર હું બધું સહન કરીશ.” આ પ્રસંગને ઉદ્દેશીને તેણે ગાયું છે કે:–

“સાધુન સંગ બૈઠ બૈ, લોકલાજ ખોઈ,
યહ તો બાત ફૂટ ગઈ, જાનત સબ કોઇ;
મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ.
અંસુઅન જલ સીંચ સીંચ, પ્રેમ બેલ બોઈ,
યહ તો બેલ ફેલ ગઈ, અમૃત ફલ હોઈ;
મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ.
આઈથી મેં ભગત જાન, જગત દેખ રોઈ,
લોગ કુટમ ભાઈબંધ, સંગ નહિ કોઈ;
મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ.”

આ બનાવ પછી રાણાના ક્રોધનો પાર રહ્યો નહિ. તેમણે મીરાંને મારી નાખવાના ઉપાયો શોધવા માંડ્યા. એ સંબંધી ખબર કોઇ કોઈ વખત મીરાંબાઈના શુભેચ્છકો ત૨ફથી મીરાંબાઈને કાને પણ પડતી, પણ એ તો સ્પષ્ટ જવાબ આપતી કે:–