પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૭૭
 

ધોરીઆ ઉપર ઝીણા કણની બાજરી વાવજો. (કેમકે ધોરીઆની ભોંય વધુ રસાળ હોય છે.)

હે મારા વીરા ! લીલા મગની વાવણી કરવા માટે હળ (દંતાળ) જોડજો અને માર્ગ ઉપર મોટે દાણે એલચી વાવજો !

હે મારી ભાભી ! તું જુવારના વાવેતરમાંથી ઘાસ નીંદજે અને ધોરીઆ પર ઉગેલી બાજરીમાંથી પણ નીંદણ કરજે !

હે મારા વીરા ! આષાઢના મેહ વરસ્યા. અને નદીનાળાં ભરાઈ ગયાં.

હે મારા વીરા ! બાજરીનાં બીજ ભીંજાતાં હશે અને સોનાવરણી નાઈ ભીંજાતી હશે.

હે મારા વીરા ! તારા માથાની પાઘડીના પેચ ભીંજાતા હશે અને ભાભીનો ચૂડલો તથા ચૂંદડી ભીંજાતાં હશે.

હે મારા વીરા ! ખેતરમાં ઝાડની ડાળીએ લટકાવેલા પારણાની રેશમી દોરી ભીંજાતી હશે અને પારણામાં પોઢતો નાનો ભાણો પણ ભીંજાતો હશે.

હે મારા વીરા ! તારે મોટે દાણે અઢળક જુવાર નીપજજો ! ને તે વાવેલા દાણા સાચાં મોતીસમાં પાકજો ! એ મારી આશિષ છે.]