પીંપળપાન ખરંતાં,
હસતી કૂંપળીઆ;
અમ વીતી તમ વીતશે,
ધીરી બાપુડીઆ.
પેલાં પીપળાનાં ઘરડાં પાન તડ તડ નીચે પડતાં હતાં, તે જોઈને નવાં આવતાં પાંદડાં હસવા લાગ્યાં. ત્યારે પેલાં બુઢ્ઢાં પાંદડાંએ કહ્યું : "બાપુ ! હસો નહિ. જેમ અમારો વારો આવ્યો તેમ તમારો પણ આવશે. ધીરજ રાખો." અને એ તો કુદરતનો કાયદો છે, નવાં આવે અને જૂનાં જાય. એમ ન થાય તો પૃથ્વી ઉપર ઝાડપાન, જીવજંતુ, પશુપક્ષી, માણસો ક્યાંય માય નહિ. એ તો પાંદડાં ખરે તો જ ઝાડ વરસે વરસે નવું થાય.
પક્ષીઓમાં પણ એવું જ છે. એમાં વળી જૂનાં પીછાં કાઢી નાખવાનું આવે છે. પીછાં એની મેળાએ ખરી જાય ને નવાં આવે. જૂનાં પીછાં જતાં રહે ને નવાં પીછાં આવે એટલે દર વર્ષે પક્ષી પણ નવું ને તાજું થાય છે. કેટલાંક ઝાડનાં પાંદડાં જેમ એકીસાથે ખરી જાય છે તેમ પક્ષીનાં પીછાં એકીસાથે ખરી પડતાં નથી. જૂનું પીછું ધીરે ધીરે નીકળતું જાય છે ને તેની પાછળ નવું પીછું આવતું જાય છે. આવી રીતે જ્યારે પક્ષીનાં પીછાંની પીછાંખર ઋતુ આવે છે ત્યારે પક્ષીઓ સાવ ભૂંડાં ભૂખ જેવાં દેખાય છે. ઝાડ તો પાંદડાં વિના કેવાં દેખાય છે એ જોયું છે ને ? આવે વખતે પક્ષીઓ ગાતાં નથી; મોટે ભાગે ઈંડાં પણ નથી મૂકતાં; કેટલાંક પક્ષીઓ તો બહાર પણ નથી નીકળતાં ! એવાં ભૂંડાંભૂખ શરીરે બહાર નીકળવું એમને નહિ ગમતું હોય. એમ તો પક્ષીઓ આપણી જેમ ફેશનેબલ અને સમજવાળાં લાગે છે. અલબત્ત, વર્ષમાં બે વાર પક્ષીઓનાં પીછાં નવાં આવે છે પણ તેની બહુ ચોક્કસ ઋતુ નથી જણાતી. વળી ઝાડનાં પાન એક સાથે ખરે છે તેમ પીછાંનું નથી બનતું. એ તો એક પછી એક ખરે, અને એક પછી એક આવે. એમ ન થાય તો પછી પક્ષી ઊડે જ શી રીતે ?
તમે એમ ન ધારતાં કે ઝાડનાં પાન અને પક્ષીનાં પીછાંને જ ખરવાની ઋતુ આવે છે. સાપ કાંચળી કાઢે છે એ શું છે ? બધાં ય પેટે ચાલતાં પ્રાણીઓ પોતાની ચામડી વર્ષમાં એક વાર ઉતારે છે; એનું નામ આપણે કાંચળી ઉતારવી એમ કહી શકીએ. ઝાડની પાનખર, પક્ષીઓની પીછાંખર, અને સાપ વગેરેની ચામડીખર ઋતુઓ કુદરતે વારેવારે તેમને નવાં થવા માટે ગોઠવી છે. કુદરતની અદ્ભુતતા સમજ્યાં ?