લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rutuna Rang.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હવે તો તડકો પડશે ને જમીન તપશે. જમીન તપશે એટલે ભેજ માત્ર ચાલ્યો જશે; અને જમીનમાં શક્તિ આવશે. હવે વસંતની રાતી પગલી પાછળ ધમધમતો ઉનાળો આવશે અને લૂ લૂ લૂ પાથરશે. પણ હજી એને વાર છે.

બાળી નાખે તેવો તડકો પડે તે પહેલાં પાંચ દિવસ હવાની મજા રહેશે. સવારે સૂરજ કેસરી રહેશે; સાંજે વાદળાં આછા રંગોભર્યાં રહેશે. હમણાં બાગે બાગે પતંગિયાં પાછળ નાના નીલકંઠ પણ પડશે; પતંગિયાનું જીવન જેટલું લાંબું એટલું ટૂંકું કરી નાખશે.

હમણાં કૂતરાંઓ બહુ હાંફતાં નથી; વસંતનો કુમળો તડકો ખાવા માટે તડકામાં જ પડ્યાં રહે છે.

આજકાલ લીમડાના થડની છાલ ફાટવા લાગી છે. લાગે છે કે એ ફાટીને ઊખડી જશે અને નીચેથી નવી છાલ આવશે. ઊમરાની ડાળીઓ ઉપરથી એની છાલ ભૂકો ભૂકો થઈને ખરવા લાગી છે; એની પાછળ લીલી નવી છાલ તગતગી રહી છે.

શિયાળો ગયો છે એટલે આળસુના પણ મેલ એની મેળાએ ઊખડવા લાગશે. કહેવત છે કે ફાગણ મહિને ફૂવડનો ય મેલ જાય, એ સાચું છે. જેના મેલ ફાગણે નહિ જાય તેના ચૈત્રે તો જશે જ; જેના ચૈત્રે મેલ ન જાય તે એક ડગલું આગળ : તે ફૂવડ નહિ ફૂવડો ! લ્યો ત્યારે વસંતના વા ખાતાં મજા કરો. આજે તો તમે ફરવા જાઓ છો, ખરું ? ત્યારે ચારે કોર વસંત જોજો.

લિ. તમારો શુભેચ્છક

ગિજુભાઈ