ઋતુના રંગ : ૧૩ :
બાલમંદિર : ભાવનગર.
તા. ૨૨ - ૭ - ૩૬
પ્રિય બાળકો !
ઋતુના રંગો સાચે જ ઋતુના રંગો છે. ધોરી આષાઢ માસ ચાલ્યો ગયો ને વરસાદે તણાવ્યું તે ભારે તણાવ્યું. એક વાર વરસાદ આવ્યો; પૃથ્વીને પલાળી મૂકી; નદી-સરોવર ભરી મૂક્યાં; તે સાથે ભોંયમાંથી ઘાસે અંકુર આપ્યા. પણ પાછો ખબર જ કાઢવા આવતો નથી ! વળી પાછો તડકો પડવા લાગ્યો છે; ઘામ તો ખૂબ જ થાય છે. બધા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઝાડ ઊંચી ડોકે, ખેડૂત ઊંચી ડોકે, ઢોર ઊંચી ડોકે, આકાશ સામે જોઈ રહ્યાં છે. દિવસે વાદળાં જેવું થાય છે ને સાંજ પડ્યે આકાશમાં તારા ઊગે છે. કેટલાક કહે છે કે દિવસે વાદળાં ને રાતે તારા એ બધા દુકાળ પડવાના ચાળા છે.
વરસાદ નથી આવતો તેથી ક્યાંક ક્યાંક ઘામને લીધે કૉલેરા પણ ચાલે છે. હવા પડી ગયેલી રહે છે તેથી પાચન પૂરું થતું નથી; કેટલાક લોકોને બેચેની જેવું રહે છે.
લીલું લીલું નવું ઊગેલું ઘાસ સુકાવા લાગ્યું છે, તે પીળુંપચક થવા માંડ્યું છે. એવું ને એવું વધારે ચાલે તો થોડા જ વખતમાં બધું સુકાઈ જાય; ને ઢોરને ચારો મળે નહિ.
ખેતરમાં વાવણાં થઈ ગયાં છે, પણ વરસાદે તણાવ્યું તેથી ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે. રોજ તે ઊગી ગયેલી બી સામે જુએ છે ને નિસાસા નાખે છે. આપણા દેશની ખેતીનો આધાર આકાશના વરસાદ ઉપર છે; એ ન આવે તો થઈ રહ્યું !
પણ હજી આશા તો છે જ; હજી વાદળાં ચડે છે ને ઊતરે છે; હજી અહીંતહીં વરસાદ વરસ્યાના સમાચાર આવે છે. ગઈકાલે લાઠીમાં ને ગઈ સાંજે બોટાદ-નીંગાળા વચ્ચે વરસાદ વરસ્યાના વાવડ છે. અહીં પણ થશે તો ખરો જ. એટલો બધો ઘામ છે તે થયા