પૃષ્ઠ:Rutuna Rang.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઋતુના રંગ : ૨ :


બાલમંદિર : ભાવનગર

તા. ૨૬ -૧ - ૩૬

પ્રિય બાળકો !

ગયે વખતે મેં તમને વહાલાં લખ્યાં હતાં; આ વખતે પ્રિય લખું છું. વહાલાં અને પ્રિયમાં નથી ફેર લાગતો. કેટલાંકને ' વહાલાં ' ગમે ને કેટલાકને ' પ્રિય ' ગમે; તમને શું ગમે ?

શિયાળો હજી ચાલે છે, એમ લખું તો યે ઠીક અને ન કહું તો યે ઠીક. આટલી બધી ટાઢ પડે છે, મારા અને તમારા હાથપગ ફાટી જાય છે, ગોળાનું પાણી બરફ જેવું ઠંડું થઈ જાય છે, એટલે એની મેળાએ ખબર પડે કે આ શિયાળો છે. ઉનાળે એની મેળાએ ખબર પડે કે આ ઉનાળો. તડકા એવા તપે, એવા તપે કે વગર પૂછે ઉનાળો. અને આકાશેથી વરસાદ તૂટી પડે એટલે કબીર કહી ગયા છે કે ચોમાસું. એમાં તો પૂછવાનું જ નહિ.

જુઓ, શિયાળો બેઠો એની બીજી રીતે ય ખબર પડે. દિવાળી પછી શિયાળો આવે અને દિવાળી પછી દિવાળીઘોડો આવે. તમે એને ઘણી વાર ભાળ્યો છે પણ એનું નામ તમને નહિ આવડતું હોય. ધોળા અને કાળા રંગનું પેલું આંગણામાં દોડતું અને પાછળથી વારે વારે પૂંછડી ઊંચી કરતું જાય, એ પક્ષી તે દિવાળીઘોડો. તમને ખબર છે, એ પક્ષી ક્યાંથી આવે છે ? અરે, એ તો દક્ષિણ યુરોપથી - ઠેઠ ઈટાલીથી આવે છે. એટલે બધે દૂરથી ? અને એ અહીં શા માટે આવતું હશે ? શા માટે ? ત્યાં યુરોપમાં બહુ સખત ટાઢ પડે ને ઠરી જવાય એટલે કેટલાં ય પક્ષીઓ અહીં હિંદુસ્તાનમાં આવે છે. દિવાળીઘોડો પણ અહીં ગરમ હવા ખાવા આવે છે. ગરમ હવા ? હા; અત્યારે આપણે માટે અહીં શિયાળો છે પણ આ પક્ષીને તો એની ટાઢ જરા યે ન વરતાય. ઊલટું અહીંનો તડકો એને ગમે; અહીં એને મજાનું હૂંફાળું લાગે. પછી જ્યારે આપણે ત્યાં ઉનાળો આવશે ને યુરોપમાં વસંત ખીલશે ત્યારે દિવાળીઘોડો પાછો ચાલ્યો જશે.