પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
સાહિત્યને ઓવારેથી
 

કાવ્યની સ્પષ્ટ છાપવાળું ‘કમલિની' સુપ્રસિદ્ધ કાવ્ય છે. કલાપી હવે ઈંગ્રેજી સાહિત્યથી યે આકર્ષાય છે; ને ‘શેલી’, ‘ટોમસ વુડ’ અને ‘ટેનીસન’ જેવા અંગ્રેજ કવિઓ પણ તેને આમંત્રે છે. ‘પ્રેમ અને મૃત્યુ’, ‘પ્રેમ અને શ્રદ્ધા’, ‘ચંચલ પ્રેમસુખ’ આદિ આનાં ઉચિત ઉદાહરણો છે. કલાપીનો આ અનુવાદ–શોખ કે ભાષાંતર–ભક્તિ આગળ ઉપર પણ ચાલુ જ રહે છે.

‘મૃત્યુ’ ‘મ્હારું કબૂતર’ ‘જ્યાં તું ત્યાં હું’, અને ‘પાન્થપંખીડું’ વગેરે ઇ. સ. ૧૮૯૪ના વર્ષનાં નોંધપાત્ર કાવ્યો છે. પણ આ વર્ષનું ઉત્તમ કાવ્ય તે ‘કુદરત અને મનુષ્ય’ નામે છે. આ કાવ્યથી આપણને એમ લાગે છે કે કવિતા રચવાના–બનાવવાના–મોહમાંથી મુક્ત થઈ કલાપી હવે ધીમે ધીમે સાચા કવિત્વનાં અમૃતમય ફોરાંથી છંટાતો જાય છે. તેનાં શરૂઆતનાં કાવ્યોમાં ઠેરઠેર કૃત્રિમતા, ક્લિષ્ટતા, અસ્પષ્ટતા વગેરે દોષો તરી આવે છે. માત્ર લખવાનો તનમનાટ સંતોષાવા ખાતર લખાયેલાં, કંઈક લખવું એવી ઉમેદ બર લાવવાના હેતુથી લખાયેલાં, જાણે કે વિષયને અભાવે તાણીતુસીને લાંબાં કરેલાં કાવ્યોની અવસ્થામાંથી મુક્ત થઈ કલાપી હવે કવિતા-દેવીના મંદિરના સાચા માર્ગે વળે છે. આ કાવ્ય પહેલાં જો કે કેટલાંક સારાં કાવ્ય લખાયાં છે, છતાં કલાપીને ઉચ્ચ કોટિના કવિનું સ્થાન અપાવી શકે તેવા કાવ્યોમાંનું પ્રથમ તો આ જ કાવ્ય છે. પણ એટલું તો કહેવું જોઈએ કે આ કાવ્યના પ્રકૃતિદર્શન માટે કલાપી ઈંગ્રેજ કવિ વર્ડઝ્વર્થનો ઋણી છે. કવિનો પ્રકૃતિપ્રેમ આ કાવ્યથી જ આરંભ પામી આગળ ઉપર ક્રમિક વિકાસ પામતો જાય છે. ‘પાન્થ પંખીડું’ પણ કલાપીએ કાશ્મીરના પ્રવાસ ઉપરથી જ લખેલું છે. ગત વર્ષ જે કલાપીને