પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દિ. બ. નર્મદાશંકર મહેતા
૫૩
 


ઈશ્વરે તેમને ઊંચા કુટુંબમાં જન્મ આપ્યો, ને પુરુષાર્થ વડે તેઓ ભાગ્યવિધાતા થયા છે. માસિક રૂ. ૨૦) જેટલા પગારથી મહેસુલી ખાતાના કારકુન તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી રૂા. ૩૦૦૦) સુધીના માસિક પગારવાળા ભારે હોદ્દાઓ ભોગવવા તેઓ ભાગ્યશાળી થયા છે. સતત ઉદ્યોગ, કુશાગ્ર બુદ્ધિ ને કુનેહ શું નથી સાધતાં ?

નાનપણમાં હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન, મોસાળ નડિઆદમાં જ તેઓ ઘણાં વર્ષ રહ્યા. કવિ બાલાશંકર કંથારિયા તેમના મામા થાય ને તત્ત્વજ્ઞાનપ્રિય ઉલ્લાસરામ તેમના માતામહ; એટલે બંનેના સંસ્કારોની દૃઢ છાપ તેમના જીવન ઉપર પડી. મામાએ ‘નૃસિંહ–ચમ્પૂ’ ને ‘નારદભક્તિસૂત્ર’ના અભ્યાસથી શરૂઆત કરી ભાણેજમાં સંસ્કૃત સાહિત્યનો શોખ ઉત્પન્ન કર્યો, ને માતામહે તેમનામાં શાક્તમત, ઉપનિષદ્, ને યજ્ઞયાગાદિક માટે શિક્ષણ દ્વારા અભિરૂચિ જગાડી. મેઘાવી ભાણાએ પછી તો વ્યાકરણ ને કાવ્ય–નાટકના અનેક ગ્રંથો ભણી કેટલાય શ્લોકો, સ્તોત્રોને યજુર્વેદનાં સૂક્તો કંઠસ્થ કરી લીધાં; અને કંઠસ્થ સાહિત્યને ગાવામાં ને લલકારવામાં આ ચપળ બટુકે બહુ ઉત્સાહ દાખવી સંગીતનો પણ શોખ કેળવ્યો. તેવામાં જ તેઓ મેટ્રિક પાસ થયા, ને ‘બરોડા કોલેજ’ના અભ્યાસ માટે વડોદરા ગયા. ત્યાં શ્રીમન્નૃસિંહાચાર્યના સમાગમે તેમના માતામહે વાવેલા તત્ત્વજ્ઞાનના સંસ્કારને વધુ વિકસાવ્યા. શ્રીમાન્‌ ગુરુનો આ સંપ્રદાય આજે પણ તેમને સુખદ અને પ્રેરક બન્યો છે.

વડોદરા કોલેજમાંથી તેઓ સંસ્કૃત લેઈ બી.એ. પાસ થયા, ને યુનિવર્સિટીનું ભાઉ દાજી ઇનામ મેળવ્યું. પછી ગુજરાત કોલેજમાં ‘ફેલો’ નીમાયા ને એમ. એ. માટે પ્રો. આનંદશંકરભાઈ