પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કવિતા : ૫૧
 

ચોથો પંડિત કહે છે કવિતા એટલે કાન્તાની માફક માધુર્ય પૂર્વક, આપણને ગમી જાય એવો બાધ કરનારી રચના. બધી કાન્તાઓ માધુર્ય પૂર્વક બોધ આપે છે કે કેમ એ વિવાદગ્રસ્ત વિષય છે–અને રામાયણ-મહાભારત કે ઈલિયડ અથવા પેરેડાઈઝ લોસ્ટનાં વર્ણનો કાંઈ સુંવાળી કવિતામાં લેખાય નહિ. કવિતા એટલે માત્ર સુંવાળાશ નહિ.

કોઈ વિદ્વાત કહેશે કે સીધો બોધ કરે એ કવિતા જ નહિ. આપણે ત્યાં વિરાગપ્રેરક કૈંક કવિતા છે જે માત્ર બોધ નહિ પણ ગાળ દઈને બોધ કરે છે. શંકરાચાર્ય ચર્પટપંજરિકામાં भज गोविंद मूढमते થી જ કવિતાની શરૂઆત કરે છે.

કવિદલપરામ કહે છે:

‘કવિતા કહીએ ક૯પના જનમન રંજન જાણુ’ રંજનનો જ એમાં ગુણ હોય તો આખો કરુણ, રડાવી શકતો કવિતાનો વિભાગ જ અદશ્ય થાય. તેમના જ પુત્ર ન્હાનાલાલને આ વ્યાખ્યા માન્ય નથી. એ તો વળી કહે છે. કવિતા કરતાં આત્મા ગુંજે છે ; ગાતો નથી. પાછા ગુંજન અને ગાયનના ભેદમાં કયાં ઉતરવું ? ગુંજન એ શું ગીતને પ્રાથમિક ધીમો, દબાયેલો પ્રકાર નથી? ગુંજન અને ગીત એ બન્ને એક જ સંગીતની જુદી જુદી ભૂમિકાઓ છે. કોઈ કહેશે : પિંગળના અક્ષર મેળ માત્રામેળ છંદના ચોકઠામાં જ કવિતા ગોઠવાય. કોઈ કહેશે છંદ, પ્રાસ અલંકારનાં ચોકઠાં કવિતાસુંદરીને હવે ટૂંકા પડે છે.'

આમ કવિતાની વ્યાખ્યાનું ઠેકાણુ જ પડતું નથી. સાચી, સર્વકાલીન વ્યાખ્યા સાહિત્ય કે કવિતાની હોઈ શકે જ નહિ. માનવી સતત ગતિમાન છે. એ ગતિ પછી ભલે પ્રગતિ હોય કે અવગતિ હોય. એટલે એ વ્યાખ્યા બધે લાગુ પડે જ નહિ, પાડવાની જરૂર પણ નથી. આપણે કવિતા ઓળખવા માટે વ્યાખ્યા બાજુએ મુકીએ. સામાન્ય સમજથી કવિતા ઓળખાય એટલું બસ થશે.

સામાન્યસમજ તો જરૂર કહે કે નરસિંહ મહેતા કવિ અને એમનાં પ્રભાતિયાં એ કવિતા. મીરાંબાઈ કવિ અને એનાં ભજન એ પણ કવિતા. પ્રેમાનન્દનાં ઓખાહરણ અને નળાખ્યાન જેવાં આખ્યાનો, શામળ ભટની મદનમોહના તથા પંચદંડની વાર્તા, અખાનું તત્ત્વજ્ઞાન અને દયારામની