પૃષ્ઠ:Samarangan.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમરાંગણને માર્ગે
207
 

 “એક મહેરામણજી, ને બાકીના ચૌદ એના દીકરા.”

“ચૌદેય દીકરાઓને લઈ ચડે છે ?” જામ ચકિત થયા. એણે મુઝફ્ફરશા સામે જોયું. “એક પિતા પોતાના રાજની ઈજ્જત રક્ષવા ચૌદેચૌદ પુત્રોને લઈને જુદ્ધે ચડે છે.”

“જુઓ આ હાપા, કાના, બાળાચ, જિયા, કબર, દલ, મોડ, રાઉ વગેરે સર્વ ભાયાતોનાં જૂથ.”

મુઝફ્ફરની આંખો પલળતી હતી. એ બોલતો હતો : “આહ માલિક ! મેરે લિયે ! મેરે એક કે લિયે ! સિર્ફ મેરે લિયે !”

તોપોના રેંકડા ખેંચતા પડછંદ કચ્છી બળદોની ચોકીઓ ચાલી આવતી હતી. તોપોને સિંદૂરે રંગીને ઉપર ત્રિશૂળ વગેરે ચિતરામણો કર્યાં હતાં. બળદોની ઝૂલ્યો ભરત ભરેલી હતી.

“આ તો એકલા જામનગરની ફોજ છે; હજી જૂનાગઢ અને ખેરડી બાકી છે, કચ્છ અને ઓખો નથી આવ્યા. પરબારા હડિયાણે ભેળા થશે.”

શરણાઈના સૂરને માથે જાણે બે પગે હાલ્યા જઈએ તેવી સુરાવળ બંધાઈ ગઈ. લશ્કરની હરોળો પડવા લાગી. મોરચા કેમ માંડવાના છે તેની તાલીમો ચાલુ થઈ. સતા જામનું મગજ તરબતર બની ગયું. પંદર જ દિન પછી સોરઠ મારી થવાની. હું નાહક ડરતો હતો. મારામાં ક્યાં છે ભય ? ક્યાં છુપાઈ છે કાયરતા ? કોણે મને મોળું ઓસાણ આપ્યું ?

એવા વિચાર એના મનમાં ને મનમાં અંદર લપાયેલી કોઈ ચોરલૂંટારુ જેવી નબળી લાગણીને પડકારતા હતા. એણે પોતાના દેહ સામે નજર કરી તો પુરુષાતનની દેગ ચડતી લાગી.

ચાકરે ખબર આપ્યા : “બારીગર આવેલ છે.”

“બોલાવ.”

આવેલ કાસદનો કાગળ હાથમાં લઈ, પરબીડિયું તિરસ્કારયુક્ત ઢબે ચીરી, કાગળ વાંચ્યો : “મુકામ મોરબીથી લિ. નૌરંગખાન : આપને