પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨

ભાભી આવે તે જોઇ મામાને એકવાર તો પુષ્કળ હસવું આવ્યું, અને પછી વિદ્યાચતુરને જે ઉત્તર દેવામાં આવતો હતો તે જ ગુણસુંદરીને આપ્યો. પુરુષ જે કહી શકતો ન હતો તે સ્ત્રીએ કહ્યું: “મામાજી, જો એ બધી વાત ખરી, પણ ન્હાનપણનું અજ્ઞાન મ્હોટ૫ણમાં અનુભવથી ખસે છે તેમ કુબુદ્ધિને અનુભવ ખસાડે છે. માણસ બારે માસ એક સરખું રહેતું નથી, નોકરી મળશે વાસ્તે કંઇ જેઠજેઠાણીને ઘરમાંથી જુદાં પડવા દેનારી હું નથી – પણ બગડેલું માણસ ધંધે વળગ્યાથી સુધરે છે તે આ તો સુધરેલાને સુધારવાનું છે. મામાજી, આપનાથી કાંઇ ખસાવાનું નથી – છોરું કછોરું થશે – માવેતરથી કમાવતર થવાવાનું છે?”

ભાણેજવહુનો આગ્રહ જોઇ જરાશંકરને વધારે હસવું આવ્યું: “બેટા, તું જેને “સર્ટીફીકટ” આપે છે તે ત્હારા ઉમંગનું છે પણ હું તે સ્વીકારતો નથી. એ સુધર્યો ન હોય તો સુધરે એવું તું માથે લે છે? – ચાલ, તું જામીન થાય તો હું વિચારું !”

ગુણસુંદરીએ તરત ઉત્તર દીધો : “થયું ? એટલુંજ કે ની ? એ તો હું માથે લઉછું. લ્યો ! પણ બોલ્યા છો તે પળજો.”

મામાથી ગુણસુંદરીને તરછેડાઇ નહી. થોડાક જ દિવસમાં રત્નનગરીમાં જ ગાનચતુરને યોગ્યતા પ્રમાણે નોકરી મળી અને આ નોકરી કેમ ન્હોતી મળતી અને કેમ મળી તે સઉ સમાચાર કેટલેક દિવસે પ્રસંગ આવ્યે મામીએ ગાનચતુરને ચંડિકાના દેખતાં કહ્યું. બે જણ મનમાંથી ગુણસુંદરીનાં દાસ થયાં, અને ભૂતકાલમાં ગુણસુંદરીને જાણ્યે અજાણ્યે દુભવવા જેવું કર્યું હશે તે સાંભરતાં ધણી ધણિયાણી બે જણ પસ્તાતાં. ગુણસુંદરીને ખભે ભુલથી હાથ મુકાઈ ગયો હતો એટલું સ્મરણ થતાં જ ગાનચતુર પૃથ્વીમાં પેસી જેવા જેટલું મનમાંથી શરમાતો. સુંદરની વાતમાં પોતાનું મન બગડયું હતું, તે વાત ગુણસુંદરીને કાને ગઇ જાણી એનો હલકો અભિપ્રાય થયો હશે તે મટાડવો એ ગાનચતુરે ગુરુકાર્ય ગણ્યું. કશાથી ન્હોતો સુધર્યો તે માણસ આખરે ગુણસુંદરી આગળ લજજાનો માર્યો સુધર્યો, એના ઉપર અને એની સ્ત્રીના ઉપર હજી વધારે ઉપકાર ગુણસુંદરીને હાથે થવો નિર્મેલો હતો.

ચંડિકા એક પ્રસંગે એમ ક્‌હેતી કે “મ્હારે તે ગુણસુંદરીનું શું કામ પડવાનું હતું?” કાળ બદલાયો અને એનાં છોકરાં સુદ્ધાંતની સંભાળ ગુણસુંદરીને કરવા વારો આવ્યો. ચંડિકાનો મ્હોટો દીકરો