પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨

કુમુદસુંદરી હેમક્ષેમ ગુણાસુંદરીને મળે ત્યાં સુધી હવે સરસ્વતીચંદ્રના શોધની વાત તે હું શી રીતે એમના આગળ કરવાનો હતો?" આ સર્વ પ્રશ્નોત્તર એના મનમાં જ થયા. બાહ્યપ્રસંગ કુમુદસુંદરી બાબતની ગભરામણનો સાક્ષી રહ્યો.

સર્વ વાત ગુણસુંદરીએ પુરી કરી, એટલે માનચતુરે હરભમજી સાથે કેટલાક પ્રશ્નોત્તર કર્યા, અને હવે શું કરવું તે વીશે તેની સાથે તેમજ મુખીની સાથે ટુંકી ગોષ્ઠી જેવું કંઇક કર્યું. આખરે મુખી અને સ્વારોને સૂચનાઓ ઉપર સુધારા વધારા અને વિચાર કરી, પળવાર શાંત વિચારમાં પડી, વીજળી ઝબુકે તેમ કંઇ વિચાર સુઝી આવતાં, માનચતુરે ત્વરાથી આજ્ઞા આપી:

"મુખી પટેલ, તમારા ક્‌હેવા ઉપરથી એમ જણાય છે કે ગામમાં ચાળીશેક સ્વાર અત્યારે તૈયાર છે - એ બહુ સારો જોગ બન્યો છે; હવે જુવો આ પ્રમાણે વ્યવસ્થા કરો. આપણા ચાળીશ સ્વારોમાંથી પાંચ તુકડીઓ કરી દેવી. જ્યાં કુમુદને અટકાવવાની ધારી છે ત્યાં આગળ વધારેમાં વધારે માણસની તુકડી રાખવી. એક તુકડી આ ગામમાં જ ર્‌હે; બીજી તુકડીએ ત્રિભેટાના વડની પાસેથી વાઘજી ફરતો હોય તેની પણ પેલી પાસ સુધી ફરવું. નદીના પુલ પાસે - આ પાર - બ્હારવટિયાઓની ઢોલ હોય તેની અને નદીનાં કોતર બેની વચ્ચે ત્રીજી તુકડી ર્‌હે; ચોથી તુકડીને ક્યાં રાખીશું ? - હા, સુભદ્રાનદીની પેલી તીરે, જ્યાં આગળ રસ્તો બે વનની વચ્ચે પેંસી આવે છે તેની પણ પેલી પાર, સુવર્ણપુરના રસ્તા ઉપર સુવર્ણપુરભણીની દિશામાં બને તેટલું વધારે, - એ રસ્તા પરજ ચોથી તુકડીએ ર્‌હેવું. પાંચમી તુકડીએ સૌ તુકડીઓને મુકી કુમુદ આવવની છે તે રસ્તે જઇ તેને મળે. લઇ જવા લાવવા ફરે."

"વળી જુવો. બીજું સરત રાખવાનું છે. મુખી પટેલ સઉ રસ્તાના ભોમિયા છે માટે એણે વડ પાસે રહી વડથી નદી સુધી બધે રસ્તે હેરાફેરા કરવા. પટેલ, તમારે રુઆબબંધ દોડાદોડ કરી મુકવી અને તમારી ખબડદારીથી અંજાશે તો લુચ્ચાઓની તાકાત નથી કે ચેંચું કરવાની હીમ્મત કરે. મ્હારી ખાતરી છે કે ચંદનદાસ અને વાઘજી એ બે જણને ત્હારાથી સચવાશે. મનહરપુરીમાં તુકડી રાખવાની છે તે તો ગમે તે સાધારણ પણ સાવચેત માણસને સોંપજો"-