પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦

તે જોઇ તેના પક્ષનાં હથિયાર છોડનાર માણસો શરમાય છે, પસ્તાય છે, હથિયાર નિરર્થક શોધે છે અને પાછાં ખસે છે. પ્રતિપક્ષિયો સજડ થઇ જાય છે, જોઇ ર્‌હેછે, અને એના ઘેડાને અવકાશ આપવા મ્હોટું કુંડાળું ખાલી ર્‌હેવા દેછે. સુરસિંહે શૌર્યની – વીરકળાની – સીમા દેખાડી એના દેખાવે સઉને મ્હાત કર્યા. એની છાતીમાં, એના માથામાં લોહી ઉકળી આવ્યું, દોડવા લાગ્યું, ચ્હડી આવ્યું, પાસે ઉભેલા વાઘજીએ શૂર પિતાનું શૌર્ય વધારવા ચારણકૃત્ય કર્યું. “સાબાશ, સાબાશ, બાપા, સાબાશ ! સાબાશ ! ધ્રુજે ધરતી ! ધ્રુજે વેરી ! ફતેહ ! ફતેહ ! રાખો રજપુતરો રંગ !” “રંગ ” શબ્દ પુરો થતાં જ, ફરતાં ફરતાં શંકર સામો દીઠો ત્યાં “દગલબાજ !” એ શબ્દ ગર્જી, ઘોડો કુદાવી, શંકરની નજર ચુકાવી, તેના ઘોડા ઉપર આકાશમાં ઘોડો કુદાવી, શંકરની છાતી ભણી તરવાર ધસાવી, સુરસિંહે એવો ધસારો કર્યો કે આંખના પલકારામાં એનો ઘોડો શંકરના ઘોડાના માથા ઉપર ઉંચેથી પડ્યો, શંકરનો ઘોડો દબાઈ ગયો – બેસી ગયો, ઘોડાના માથા ઉપર ઘોડો અને તેના ઉપર ઉંચે કુદેલો સુરસિંહ મહાન ગજરાજના કુંભસ્થળ ઉપર ચ્હડી હોદ્દામાં બેઠેલા શીકારી સામે પંઝો ઉપાડતાં વિકરાળ સિંહ જેવો દેખાયો. પગના ઢીંચણ સુધી પ્હોંચતા લાંબા કરેલા હાથની હાથેલીમાંથી ફુંફવાડા મારતા નાગની પેઠે ધસતી સિદ્ધી બેધારી તરવાર જોતા જોતામાં શંકરના શરીરને વીંધી આરપાર ગઈ હોય એમ દેખાઇ, સઉયે જાણ્યું કે શંકરનું થઇ ચુક્યું ! ખરું જોતાં તો જેવી સામા સુરસિંહના જમણા હાથમાંથી તરવાર ધસી કે સુરસિંહની કળાના ભેમિયા કળાવાન્ શૂર બ્રાહ્મણે ડાબો હાથ પ્હોળો કરી શરીર ખસેડી દીધું અને તરવારને પોતાના હાથ અને શરીર વચ્ચેની ખાલી જગામાં ખુંપી જવા દીધી, ખુંપી ગઇ કે હાથ ડાબી દીધો અને પોતાના જમણા હાથમાંની તરવારથી બળવાન ઘા કરી સુરસિંહનો જમણો હાથ કાપી નાંખ્યો. ઝાડપર કુહાડો પડતાં ડાળું ત્રુટી પડે તેમ બ્હારવટિયાના પ્રચંડ શરીરમાંથી કપાયેલો હાથ છુટો પડ્યો, તેના મૂળ આગળ કુત્સિત માંસનો લોચો ધસી આગળ આવ્યો અને રુધિરની ધારાઓ કપાયેલી નસોમાંથી ફુવારા પેઠે ફુટવા લાગી. પળવારમાં સુરસિંહનું શરીર, એનાં વસ્ત્ર, અને એનો ઘેાડો લોહીલુહાણ થઇ ગયાં. શંકરની તરવાર સુરસિંહ પર પડતા પ્હેલાં શકરાબાજ પેઠે તાકી રહેલા વાઘજીએ ત્રાપ મારી શંકર ઉપર તરવારનો ઘા કર્યો, બાજુએ ઉભેલા હરભમે એ તરવાર શંકર ઉપર પડતાં પ્હેલાં નીચેથી પોતાની