પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩

ત્યાં એને પગલે પગલે લક્ષ્મી ! બોલે તો જાણે મોતી ખરે ! ભાઇ, એ તો સાક્ષાત જગદમ્બા જ ! બુદ્ધિધનભાઇએ શઠરાય જેવાને મ્હાત કર્યો તે એની જ શક્તિથી !” ગાડીવાન બોલ્યોઃ “ખરી વાત છે, ભાઇ, એનામાં મહામાયાનો અંશ તો ખરો. આવાં અલકબ્હેન તે પણ ભાભીસાહેબને પગલે પગલે ભમતાં, એમણે તો ચારે પાસ કાંઇ માયાની જાળ નાંખી હોય નહી ? એમ જે એને જુવે તેનો એમના ઉપર ભાવ થઇ જતો, બુદ્ધિધનભાઇ પણ એમ જ જાણે કે કુમુદસુંદરી તે શી વાત ! એનાં પગલાં તો દુધે ધોઇને પીયે એવાં ! એમને પેટે તો અવતાર લઇયે એવા એમના ગુણ ! જો એમનો પત્તો જ ન લાગ્યો તે ગજબ થશે. ઓ ભગવાન ! એમનો વાંકો વાળ થવા દઇશ નહી ને ગમે તે કરી હતાં એમનાં એમ અમને એ પાછાં સોંપજે, અમે પાછા જઈ શું મ્હોં દેખાડીશું?”

સરસ્વતીચંદ્રને જોગી લોક લેઇ ગયા ત્યારે કુમુદને આમ નદી લેઇ ગઇ, બેના માર્ગ જુદા હતા, દિશા એક હતી. અનેક આંખો એમની પાછળ ખેંચાતી હતી અને એમના માર્ગ શોધતી હતી. પણ દૈવની ઇચ્છા કેઇ દિશામાં દોડે છે તેની તો માત્ર કલ્પના જ હતી.