પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭

દીલ્હીના બાદશાહની સનદ પામશો ને તમારા રાજ્યને અચલ કરશો – આણીપાસનો મુલખ તમને અપાવીશું. જો મદદ નહીં કરો – તો હાલ તો લ્હડનાર છીયે અને અમે જીત્યા એટલે તમારું સત્યાનાશ સમજજો ! આપણો દેશ, આપણો ધર્મ, આપણા લોક – સઉ એક થશે ને આ મર્કટનાં ન્હાનાં ટોળાંને દરીયાપાર કરીશું. વખત ફરી ફરી નહી આવે.”

“તમે અમારા સરદારોનાં નામ પુછો છો તો સાંભળો. મુસલમાનમાં દીલ્હીના તખ્તનો માલીખ પાદશાહ, અને હીંદુમાં પેશવાઈનો માલીખ શ્રીમંત નાનાસાહેબ. સાહેબ, હું મરાઠો છું પણ દેશ અને ધર્મને કાજે મુસલમીન અને બ્રાહ્મણનો ઝુંડો ઉપાડું છું. તાત્યાટોપીનું નામ સુણી ઈંગ્રેજ બચ્ચા કાંપે છે; અને અનેક તારાઓ આ સૂર્યચંદ્રની આજુ બાજુ એકઠા થયા છે. હું તેમના તરફથી આવું છું તેની ખાતરી જોઈએ? લ્યો આ સેહેનશાહી જાહેરનામું, અને વધારે જોઈએ તો અમારી પાછળ સેના સજજ છે.” જાહેરનામું આપ્યું અને સુભાજીરાવ બંધ પડ્યો.

“મલ્લરાજે શાંત મુખથી પુછયું: “હું ધારું છું કે હવે તમારે માત્ર હા કે નાનો ઉત્તર જોઈએ છીએ.”

“એ જ. હા કે ના ક્‌હો, તે સત્વર ક્‌હો, અને યાદ રાખજો કે હાનું ફળ લક્ષ્મી છે ને નાનું ફળ પ્રાતઃકાળમાં અમારી સેના રત્નનગરીને દ્વારે સમજજો.”

“ઠીક છે – એ અમારે જોવાનું છે. દૂત ! આ બે મહાપુરુષોને જોડેના ખંડમાં અધઘડી બેસાડ અને તું તેમનો સત્કાર કરજે. અમે બે જણ આ વાતનો વિચાર કરી અધઘડીમાં ઉત્તર ક્‌હેવાને તમને પાછા બોલાવશું.”

મલ્લરાજે આમ કહ્યું કે ત્રણ જણ ગયા ને બે જણ રહ્યા. જરાશંકર પાછળ દ્વાર વાસી આવ્યો અને મલ્લરાજની સન્મુખ બેઠો. મલ્લરાજ મુછે તાલ દેવા લાગ્યો.

“કેમ, મહારાજ, શો વિચાર કર્યો ?” જરાશંકરે પુછયું.

મલ્લ૦– “તું શું ધારે છે?”

જરા૦– “આશા અને ત્રાસ, ભય અને પ્રીતિ, આદિ સર્વ સુભાજીરાવે બતાવી દીધાં છે.”

મલ્લ૦–“આ ટોળામાં અંતે પરસ્પર યુદ્ધનાં બીજ દીઠાં?”