પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૯

પ્રજા... ... બીચારી પ્રજા... પ્રજા... ” મલ્લરાજની પોતાના આંખમાં આંસુ આવ્યાં. “અરેરે – જરાશંકર, આટલાં વર્ષ સુધી આપણાથી પ્રજાનું કંઈ કલ્યાણ થયું નથી.” મલ્લરાજનામાં અશક્તિ વધી, એની આંખો મીંચાઈ, પોપચાં નીચે આંસુ ચાલ્યાં, અને કંઈક વાર બોલતો બંધ થયો. સર્વની આશા ત્રુટવા માંડી અને ચારે પાસ આંસુની વૃષ્ટિ વર્ષવા લાગી.

એટલામાં મીંચેલી આંખે રાજા બોલતો શુણાયોઃ “મેના–મેના –” રાજાનો હાથ મેના ભણી જવા યત્ન કરતો લાગ્યો. મેના ઉઠી, રાજાનો હાથ ઝાલ્યો, અને રોતી રોતી બોલી: “ મહારાજ ! મહારાજ–” રાજાએ આંખ કંઈક ઉઘાડી, મેના સામું જોયું, “મ્હેં તને વિના અપરાધે એક રાત્રે શિક્ષા કરી હતી–”

મેનાનું રોવું રહ્યું નહીં, ત્હોયે ખાળી રાખી બોલી: “ના, મહારાજ, મ્હારો જ દોષ હતો અને આપે યોગ્ય જ કર્યું હતું.”

“હવે કુમાર નહી – રાજા – હોં – એની આજ્ઞા પાળજે.” મલ્લરાજ ઉચું જેઈ ક્‌હેવા લાગ્યો.

“અવશ્ય, મહારાજ ! જેમ માતાજી આપની સાથે વર્તતાં એ જ રીતે વર્તીશ. કુમાર રાજા, અને હું એની પ્રજા.”

“- ને - કમળા – એ હવે ત્હારાથી મ્હોટે સ્થાને - તું - તું” વચન માગતો હોય એમ રાજાનો હાથ લાંબો થયો. એ હાથમાં વચન આપવા હાથ મુકી રાણી કંઈક સ્થિર સ્વરે બોલી: “મહારાજ, મ્હારા નાથ છો, આપને વચન આપું છું કે મ્હારે હવે રાજ્યસાથે સંબંધ નથી. મહારાજ, न स्त्री स्वातन्त्र्यमर्हति. ન્હાનપણે જેમ પિતાની આજ્ઞા પાળતી, આજ સુધી આપની પાળતી, માતાજી આપની આજ્ઞા પાળતાં, તેમ આપની પાછળનાં રાજારાણીની આજ્ઞા પાળવી એ મ્હારો ધર્મ છે અને એ રાજા મ્હારો પુત્ર છે અને રાણી મ્હારી વહુ છે એટલામાં જ મુજ અનાથની સનાથતા છે.”

બોલતી બોલતી રાણી પડી ગઈ મણિરાજે તેને ઝીલી, રાજાની આંખો મીંચાઈ હતી તેણે આ દીઠું નહીં, રાણી પુત્રના હાથમાંથી ઉઠી બેઠી. ને રાજા આંખો મીંચી બોલ્યોઃ “બધાને કહી દીધું - બધાંને કહી દીધું - કંઈ રહી જતું તો નથી – જરાશંકર – રઘુનું વાનપ્રસ્થ-”