પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
“ એ સંસાર વિસારે મુકવા મ્હેં માયા બધી છોડી,
“ પડી નદીમાં, પડી જળનિધિમાં, પણ રતિ કર્મની થોડી; માજીo
“ બેડો[૧]સઉનો ડુબ્યો ક્યાંક જઈ ન ડુબી નકામી હું તો,
“ મરણનું સુખ પણ ન લખ્યું કપાળે ન્યાય માજીનો શું જો? માજીo
“ માજી, મ્હોટાં છો, શું કહીયે ? અકળ કળા જ તમારી !
“ રોતી કકળતી મુજ જેવીને શાને લીધી ઉગારી ? માજીo
“ કહ્યું મુજ ન કરે કાળજું; માજી, જીવવું શાને કાજે ?
“ રાંક દીકરી એક મરણ જ માગેઃ જમ કયમ કહે છે ના જે? માજીo”

છેલ્લા શબ્દોના ઉદ્ગાર ક્‌હાડતી ક્‌હાડતી બાળા માતા સામા હાથ જોડી રોતી હતી અને એને શબ્દે શબ્દે કંઠની ગદ્રદતા બોલવામાં અંતરાય નાંખતી હતી. ગાઈ રહી ત્યાં થોડી વાર હાથ જોડી, રોતી રોતી, અવાચક જેવી થઈ નીચું જોઈ રહી, અને અંતે હૃદયને માર્ગ આપી મોકળું મુકી રોઈ પડી, અને આંખમાથી ટપકતાં આંસુની માળા પૃથ્વી ઉપર સરી પડતી હતી તે આંસુનાં ટપકાંઓ વચ્ચેની જગામાં થઈને એના ભાગ્યા ત્રુટ્યા બોલ માતા ભણી જવા લાગ્યા અને રોવું પણ એ બોલના સથવારામાં જવા લાગ્યું.

“ ઓ માજી ! તમે આ સંસાર કર્યો તેમાંથી છુટી થવાને મ્હેં એક મરવું માગ્યું, પણ બબ્બે પુરુષોને જેનો ખપ ન નીકળ્યો અને તેમણે જેને બારણે બોલાવીને ક્‌હાડી મુકી તેને તમારા જમ સંગ્રહે એટલું ભાગ્ય પણ મ્હારા કપાળમાં ન જ નીવડ્યું !

“ માજી, જેનો હાથ જમે પણ ન ઝાલ્યો તેના હદયના ઉભરા તમારી પાસે નીકળી જાય છે તે ક્ષમા કરજો ! જયારે જગતમાં અને જગતબ્હાર મ્હારું કોઈ થતું નથી ત્યારે તમે મજ રંક અનાથને આશ્રય આપો છો. તો સર્વથા એ જ સત્ય છે કે સંસાર જુઠો છે ને ઈશ્વરી જગદંબા જ સાચાં છે અને જગતમાં ફરતાં તેમજ જગતમાંથી નીકળતાં હે ઈશ્વરી, ત્હારા જ ચરણમાં રંક સ્ત્રીયોનો સંસાર સમાપ્ત થાય છે,અને આમ અનાથ અબળા દુખીયારી જાતને તમારું જ જોર છે. હે જગદમ્બા ! સુસવાટા નાંખતાં પવન જેવાનાં તોફાનથી મહાન વૃક્ષોના પાંદડાં ખરી પડે છે અને ડાળો ભાગી પડે છે તેવે કાળે ખુણે ખોચલે પડેલી સંકોચ પામતી


  1. બેડો = વ્હાણ.