પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦


"કુટુમ્બનાં મનુષ્યો ઘરમાં છેક નિરુદ્યોગી નથી બેસી ર્‌હેતાં. સઉ પોતપોતાના ગજાપ્રમાણે અને બુદ્ધિપ્રમાણે પરસ્પર સેવા કરે છે અને અનેક સેવકોનું કામ કરે છે. ખરી વાત છે કે બ્હારના ચાકરો ઉપર અંકુશ રાખીયે તેવો કુટુમ્બજનો ઉપર નથી રખાતો; પણ કેટલીક રીતે બ્હારના ચાકરો ઉપર અનેકધા અંકુશ રાખવા છતાં જે વિશ્વાસ નથી રખાતો તે કુટુમ્બજન ઉપર રાખી શકાય છે. એટલું જ નહી પણ ઘરમાં કુટુમ્બ હોય તો તે એક જાતનો કીલ્લો છે, એ કીલ્લાથી બ્હારનાં માણસ ઘરની સ્ત્રીયોને ફોસલાવી જવાની હીંમત નથી કરતાં - યુરોપમાં એ કીલ્લાઓની ન્યૂનતાને લીધે ઘેરે ઘેર જે નીતિભીતિ ર્‌હે છે તે ત્યાં જઈ આવશો તો જાણશો. પ્રિય ઉદ્ધતલાલ ! સ્ત્રીયો ઉપરથી વિશ્વાસ ઉઠેલો અનુભવવાથી વધારે ક્લેશ થાય છે કે તેમની મર્યાદા સાચવી રાખનાર કુટુમ્બથી થતાં ક્‌લેશ વધારે છે તેની તુલા કરવાનો પ્રસંગ મ્હારે કપાળે હજી સુધી તો આવ્યો નથી. હું એમ નથી ક્‌હેતો કે તમે ક્‌હો છો તે ખોટું છે. હું તો તમારા ચિત્રમાં ઉમેરવાની વસ્તુ દેખાડું છું.”

આપણાં સામાજિક કુંટુમ્બો દેશને લાભકારક નથી એમ તમે નહી કહી શકો. જે અર્થશાસ્ત્ર આજ સુધી યુરોપમાં અભેદ્ય મનાતું હતું તેમાં સોશ્યાલિસ્ટ સંપ્રદાયે ભેદ પાડ્યો છે. યુરોપમાં એક ઘર અત્યંત શ્રીમંતનું તો જોડે જ અત્યંત નિર્ધનનું હોય છે; ત્યાં શ્રીમંતના ઘરમાં અન્નના ઢગલા ખરીદવા જેટલું દ્રવ્ય રસરાગમાં ઢોળાય તે જ કાળે જોડેનો નિર્ધન અપવાસ કરી પગ ઘસતો ક્‌હેવાય છે. એ સર્વ દુર્દશાનો નાશ કરી શ્રીમંતને અને નિર્ધનને સર્વ દ્રવ્ય વ્હેંચી આપવાનો અભિલાપ ધરનાર જનસંઘ આજ યુરોપમાં ઉભો થયો છે અને જુદે જુદે નામે રાજાઓને, પ્રજાઓને અને સર્વ રૂઢ વ્યવહારોને ધ્રુજાવે છે. આ સંપ્રદાયવાળાનો ધ્રુજારો એ દેશોમાં કેટલું બળ કરશે, કેટલું ફાવશે, વગેરેની કલ્પના કરવી આપણે જરૂરની નથી. પણ જે અભિલાપ સોશ્યલિસ્ટો રાખે છે તે અભિલાષાની ઇષ્ટાપત્તિ આપણા દેશમાં રૂપાન્તરે હું પ્રત્યક્ષ દેખું છું. એક કમાનારની દ્રવ્યસંપત્તિ અનેક કુટુમ્બીજનોના પોષણને અર્થે આ દેશમાં ઢોળાય છે. નાતો અને વરા કરવાના રીવાજ પણ એવા જ કારણથી વધ્યા હોય કે ઘણું કમાનારની સંપત્તિ જેમ કુટુમ્બમાં ઢોળાય તેમ જ્ઞાતિમાં પણ ઢોળાય. આ સર્વ વ્યવસ્થામાં મને સોશ્યલિસ્ટ સંપ્રદાય જ આપણા દેશમાં સિદ્ધ થયો લાગે છે. જે