પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૮

"તમ પુરુષ જાતિની કઠોરતાનો ભોગ થઈ પડેલી એ બાપડી ડુબતી ડુબતી માતાને શરણ આવી જીવી છે."

"જ્યાં ત્યાં અમ પુરુષોનો જ દોષ?"

"છે તે છે."

"એકના દોષને માટે સર્વને દૂષિત ગણવા યોગ્ય નથી."

"રાધેદાસ, ઉત્કર્ષના લોભને હું દોષ કેમ કહું ? જે લાભ મ્હેં રખાવ્યો તેને હું દોષ કેમ કહું ? પણ આપણે આ વાત પડતી જ મુકવી. બિન્દુમતીને દીઠી?"

"મંદિરમાં છે ઠાકોરજી જોડે પ્રણય અને અભિનય કરતી હતી."

"પુરુષનો પ્રણય કરવા કરતાં આ વસ્તુ સારી."

"સત્ય બોલે ત્યાં ના કેમ ક્‌હેવાય ?"

રાધેદાસ બ્હાર ચાલ્યો. ચંદ્રાવલી અંદર ચાલી. સરસ્વતીચંદ્ર રાધેદાસથી આગળ ચાલતો હતો. વિહારપુરી સઉથી આગળ નીકળી ગયો હતો અને આમની વાટ જોતો માર્ગમાં ઉભો હતો.

ચંદ્રાવલીને બિન્દુમતી સામી મળી અને ભેટી પડી બોલી.

"મૈયા, વિહારપુરી જોડે નવીન કોણ હતું !"

"આપણે શી ચિન્તા !"

"તેની આકૃતિ રમણીય હતી."

"ત્હારે ક્યાં પુરુષનું કામ છે?"

"હું તો સહજ પુછું છું. એ ઘણું કરીને વિષ્ણુદાસજીના અતિથિ છે."

"હેં ! ત્યારે તો આપણે તેનું કામ છે - મધુરીની કથા ત્હેં સાંભળી છે કની ?"

"તે પુરુષ આ ?"

"એમ જ હોવું જોઈએ."

"સૂર્ય ગયે પદ્મિની મીંચાય છે તે યોગ્ય જ છે. મધુરીનાં દુઃખની મધુરતા અને તીવ્રતા હવે સમજાય છે."

"બચ્ચા, તું માજીનું મંદિર બે દિવસ જાળવીશ?"

"હા. કેમ ?"

"મધુરી વિષે મ્હારો જીવ ઉંચો હતો - તે હવે વધારે ઉંચો થયો -"

"તે યદુશૃંગ જવા ધારો છો?"

"હા."

"પણ વિહાર - "