પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૨


પ્રક૨ણ ૨૯.
હૃદયના ભેદનું ભાગવું.
“All precious things, discover'd late
“To those that seek them issue forth ;
“For love in sequel works with fate,
“And draws the veil from hidden worth.”
Tennyson's Day-Dream,
“ And so love–
“Yaster in being free from toils of sense–
“Was wisest stooping to the weaker heart;
“And so the feet of sweet Yasodhara
“Passed into peace and bliss, being softly led.”
Arnold's Light of Asia.

રસ્વતીચંદ્ર : સરસ્વતીચંદ્ર ! હું કુમુદ આપને બોલાવું છું – ” સામી બેઠી બેઠી કુમુદ કેટલીક વારે બોલી.

પવનની ગર્જના પર્વત ઉપર થતી હતી તે વચ્ચે પણ આ ઝીણો સ્વર સરસ્વતીચંદ્રના કાનમાં પેઠો અને એને એની વિચારનિદ્રામાંથી જગાડ્યો. ધીમે રહી એણે આંખ ઉઘાડી પોતાના ખોળામાં જોયું અને હવે હલકા થયેલા ખોળાનો ભાર ઈષ્ટ રૂપે સામે બેઠેલો જોયો.

સર૦- કુમુદસુન્દરી, મ્હેં તમને બહુ દુ:ખી કર્યાં !

કુમુદ૦- થનારી થઈ ગઈ – બનવાની બની ગઈ. આપે મ્હારા ભાગ્યને આપની જોડે ઉરાડવા પ્રયત્ન કર્યો – એ ભાગ્યમાં એવી રીતે પણ ઉડવાની શક્તિ ન હતી તેથી પડવાનું જ હતું તે પડ્યું. આપનો એમાં હું દોષ ક્‌હાડતી નથી. શકુન્તલાના પ્રેમને દુષ્યન્ત જેવા પુરુષ ભુલી જાય ત્યારે તો દુર્વાસા જેવાના શાપનું જ અનુમાન કરવું. ચંદ્રાવલીબ્હેને આ વિષયમાં મ્હારી હૃદયભાવના આપને ક્‌હેલી જ છે તો તે વિષયે હૃદયશલ્યને સમૂળાં ક્‌હાડી નાંખો.

સર૦– થયેલી મૂર્ખતા અને દુષ્ટતા ચિત્તમાંથી ખસતી નથી.