પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૮૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૯

ઉત્પત્તિ, સ્થિતિ, અને પ્રસંગ પડ્યે નિર્ઋતિ[૧] પણ રચે છે; તે સમર્થ પંડિતોનાં અને વ્યવસ્થાકરોનાં પ્રતિબિમ્બ અમે છીયે, ને આ સર્વ સંસારભારમાં વ્યવસ્થાનો જે અનન્ત અશ્વત્ત્થ[૨] ચારે પાસ અસંખ્ય શાખાઓ પ્રસારી ઉભો છે ને પૃથ્વીના મૃત્યુ લોકને વિસ્મય પમાડે છે તે વૃક્ષરાજનાં આ સર્વે મૂળનું જે કારણથી અમે ઉત્પાદન કર્યું તે જ કારણથી હજી તેનું રક્ષણ અને વર્ધન કરીયે છીયે અને કરીશું ! સાત્ત્વિક દૃષ્ટિને પ્રત્યક્ષ થતા ધર્માધર્મ નામના દમ્ભનું અમે પવનાશન લોક ભક્ષણ કરતા નથી.

ચારે પાસના પ્રકાશની શ્યામતા વધવા લાગી.

સર૦- તમે સાત્ત્વિક ધર્મને વર્જ્ય ગણો છો તો શાને ભક્ષ્ય ગણો છે ? કીયા પવનનું ભક્ષણ કરો છો ?

નાગ– સાંભળ, રે મુગ્ધ માનવી ! અમારો આહાર સત્ય વિના બીજો નથી અને એ આહાર મળે તો અમે ધર્મને પણ ઇચ્છતા નથી; કારણ ધર્મ સત્યની પાછળ દોડે છે, સત્ય ધર્મ પાછળ દોડતું નથી. ત્રિગુણાત્મક સૃષ્ટિ કેવળ સાત્ત્વિક દૃષ્ટિએ જોવી એ સત્યના મ્હોટા અંશને ઢાંકી ન્હાના અંશને જોવા જેવું છે. તમારા સંસારમાં કે મનુષ્યલોકમાં રાજસી અને તામસી વૃત્તિ સંસારના ગળા સુધી ભરેલી છે ને સાત્ત્વિક વૃત્તિ તો માત્ર ત્હારા જેવા મુગ્ધ જનના મનોરાજ્યની જ સૃષ્ટિ છે. જેમ ક્ષાર સમુદ્રમાં કોઈસ્થાને મિષ્ટ જલનું ઝરણું નીકળે તો તેના ઉપર ક્ષાર સમુદ્રના તરંગ ફરી વળે તેમ તમ લોકના સંસારમાં સાત્ત્વિક ગુણના વિરલ ઝરાઓ ક્ષાર જળનાં વહન નીચે ચંપાઈ ગયલા જ ર્‌હે છે. જેમ તામસી દૃષ્ટિ તે સર્વત્ર અદૃષ્ટિ જ છે તેમ સાત્વિક દૃષ્ટિમાં રજોગુણ અને તમોગુણનાં જે જે કાર્ય ભણી ક્ષમાદૃષ્ટિ ર્‌હે છે તે તે દિશા ભણીની તેની અદૃષ્ટિ જ છે. સ્ત્રીપુરુષની પ્રીતિને તું શુદ્ધ સાત્ત્વિક ગણતો હોઈશ તો વધારે અનુભવથી ત્હારી ભુલ ભાંગશે. તમે બે જણ કોઈ પુણ્ય સિદ્ધિથી સર્વદા સાત્ત્વિક રહી શકશો તો તેથી કાંઈ બાકીનું જગત સાત્ત્વિક થઈ જવાનું નથી, પ્રાણીઓ પરસ્પરનું ભક્ષણ કરતાં મટવાનાં નથી, કુટુમ્બોના અંતઃકોલાહલ મટવાના નથી, પાપી જનોની સંખ્યા એક ધર્મમાં પ્રવર્તશે તો એથી અધિક પાપીઓ તેની પાછળ પલટણ પેઠે ઉભા થતા અટકવાના નથી, રાજાઓના રાજ્યલોભ અને અધર્મવિગ્રહ ઘટવાના નથી, અને અન્ય પ્રાણીયો પેઠે મનુષ્યોમાં ને રાજાઓમાં પણ મ્હોટું ન્હાનાને ખાય એ નિયમ લુપ્ત થવાનો


  1. ૧. નાશ.
  2. ર. વડનું ઝાડ.