પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૯૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮૩


“જી મહારાજ, વિહારપુરીજીએ ક્‌હાવ્યું છે કે પ્રાત:કાળે ગુરુજી આ સમાધિમાંથી જાગશે તે પછી આપને અને આપના મિત્રને તેમનાં દર્શન માટે બોલાવીશું. આપના ઉપર આવેલું આજ્ઞાપત્ર આપને પ્હોચ્યું હશે અને તે સબંધમાં ગુરુજી ઉપર આવેલા લેખ પણ ગુરુજી કાલે જોશે. આપના જેવા પરમ સાધુજનને તો ગુરુજીની છાયામાં સર્વથા અભયછત્ર છે. બીજું આપના મિત્રના ઉપર પ્રધાનજીને ઘેરથી અને પ્રધાનજીએ મોકલેલા કેટલાક પત્રો આશ્રમમાં આવેલા હતા તે વિહારપુરીજીએ મ્હારી સાથે મોકલેલા છે.”

સરસ્વતીચંદ્રે તે પત્ર લેઈ ચંદ્રકાંતને આપ્યા.

સાધુ– ચંદ્રાવલીમૈયા પણ રાત્રીએ ઘણું કરી આપને મળશે.”

સર૦– તે ઉત્તમ જ થશે.પ્રકરણ ૪૪.
કોઈને કાંઈ સુઝતું નથી.
क: श्रद्धास्यति भूतार्थं लोकस्तु तुलयिष्यति॥
મૃચ્છકટિક ઉપરથી.

બે મિત્રો પાછા ઉપર ચ્હડ્યા. ચ્હડતાં ચ્હડતાં સરસ્વતીચંદ્ર ધીમે રહી બોલ્યો.

“ચંદ્રકાંત, મ્હારું અને મ્હારા નામનું પ્રકટીકરણ કરવાની મ્હારા સાધુજને તને ના કહી હતી?"

ચંદ્ર૦– કહીતી.

સર૦— ત્યારે?

ચંદ્ર૦— તમે જાણતા હશો કે તમારું શરીર, તમારી વિદ્યા અને બુદ્ધિ અને તમારાં પરાક્રમ ગુપ્ત રહી શકે એવાં છે.

સર૦– મને એમાં કાંઈ શંકા નથી.

ચંદ્ર૦- ક્ષમા કરો. મુંબાઈ રહીને મ્હેં આપને શોધી ક્‌હાડ્યા ને રત્નનગરીની પોલીસે આપના કેવા કેવા પત્તા મેળવ્યા છે તે જાણશો ત્યારે હબકશો.

સર૦– મને શોધી ક્‌હાડ્યો પણ કુમુદસુંદરી તો ગુપ્ત જ છે કની ?

ચંદ્ર૦– મ્હારાથી તે ગુપ્ત ન હતાં. બીજાંની વાત બીજાં જાણે.