પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧૧

આપણા મહારાજ એ ધર્મ પાળતા નથી તે તમારી ભ્રષ્ટ સંસારને ગમતું હશે, પણ અમારા સુન્દરગિરિ ઉપર તો મહારાજે પડતો મુકેલો એ ધર્મ પાળવાનું કામ અમે ત્રિમઠનું અધિષ્ઠાતૃમંડળ કરીયે છીયે ને એવા એવા રાજધર્મથી સાધુજનોનાં કલ્યાણ સાધીયે છીયે. સુન્દરગૌરી, તમે મધુરીનું જે કલ્યાણ ધારો છો તે તેના હૃદયને પણ કલ્યાણરૂપ ભાસશે તો અમે એના હૃદયનાં જ્યોતિને પરવશ નહી કરીયે, પણ તેમ નહી હોય તો તમે તેને પરવશ કરો એવું થવા પણ નહી દઈએ.

ગુણ૦– મ્હારા સ્વામીનાથે તમારો આ અધિકાર મને કહી દીધો છે ને એ અધિકારને વશવર્ત્તિની થઈને તમારો આશ્રય માગવાનું કહ્યું છે.

મોહની૦– તેઓ શુદ્ધધર્મજ્ઞ છે.

ગુણ૦– તો તમે કેવે પ્રકારે આશ્રય આપી શકશો ?

મોહની૦- ગુરુજીની આજ્ઞાથી નવીનચંદ્રજી ચિરંજીવશૃંગ ઉપર વસતા હતા અને અમારા સખીકૃત્યથી મધુરી મૈયાને તેમનાં દર્શનનો ને સમાગમનો લાભ થયલો છે. મધુરીમૈયાએ કન્થા ધારી તે પણ આ પુણ્ય સમાગમનું જ ફળ થયું છે. નવીનચંદ્રજી અત્યારે ત્યાંથી પાછા ફરી ગુરુજી પાસે ગયા હશે, અને મધુરીમૈયાને લેઈ ચન્દ્રાવલીમૈયા અમારા મઠમાં પાછાં આવશે. મ્હારું કામ ન હોય તો હું ત્યાં જઈ તેમને અંહી મોકલીશ, અને મધુરીમૈયા આપની પુત્રી જ નીવડે તો તેના હૃદયની ઇચ્છા જાણી લેઈ ચન્દ્રાવલીને ક્‌હેશો, અને તેનાથી તે જાણી, શો નિર્ણય કરવો તે વિચારવા હું સમર્થ થઈશ.

સુન્દર૦– કુમુદ અમારે ઘેર આવવાની હા ક્‌હેશે ત્હોયે તમે એને નહીં આવવા દ્યો ?

મેાહની૦– એ હા એના હૃદયની હશે તો આવવા દેઈશું – નીકર નહી. એનું મુખ એના હૃદયનો મન્ત્ર પ્રકટ કરે છે કે નહી તે અમારે વિચારવાનું.

સુન્દર૦– ઠીક ભાભીજી, એટલી છોકરી ક્‌હેશે તે ખરું ને તમે એનાં મા ક્‌હેશો તે ખોટું. આપણે કોઈને મળ્યા વિના અંહીથી જ પાછાં જઈયે તો હવે શું ખોટું ? એ રાંક છોકરીને આ બાવાબાવીઓયે સાંઢ જેવી કરી.

મેાહની૦– તમને ન રુચતું હોય તો પણ અમે અવશ્ય એ મહાફળ સાધ્યું છે ને તમારે જવું કે ર્‌હેવું તે તમારી સ્વતંત્રતાની વાત છે.