પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
સરદાર વલ્લભભાઈ


વગેરે સાથે ગાંધીજી સતત પત્રવ્યવહાર ચલાવી રહ્યા હતા. તા. ૨૩મી એપ્રિલના રોજ લડતને ટેકો આપવા મુંબઈમાં ના. વિઠ્ઠલભાઈના પ્રમુખપણા નીચે એક મોટી જાહેરસભા થઈ. ગાંધીજીએ લડતની ઉત્પત્તિ અને વિગતોનો ખ્યાલ આપનારું પ્રાસ્તાવિક ભાષણ કર્યું. તેમાં જણાવ્યું કે :

“. . . આ લડતના મૂળમાં બૅરિસ્ટરો કે વકીલો નથી, પણ હળ ચલાવનારા ખેડૂતો જ છે. ગોધરાની પરિષદ પછી કેટલાક ખેડૂતોએ વિચાર કર્યો કે આપણે આપણાં હિત જાળવવા પ્રયાસ કરવો જોઈએ. તેમણે મને લખ્યું કે સરકાર પાસે દાદ માગવાનો અમને હક છે, તમે મદદ કરશો ? તમે જોઈ શકશો કે આ લડતનું મૂળ બહારની ચળવળ નથી. બહારની મદદથી એ લડત શોભી ઊઠી. આપણા પ્રમુખ સાહેબ અને ના. ગોકુળદાસભાઈએ એને શોભા આપી. તેથી જીત માટે લોકોને શ્રદ્ધા પડી. . . . ગુજરાત સભાના પ્રતિષ્ઠિત અને ઠરેલ સભાસદોએ પણ તપાસ કરી અને ખાતરી કરી કે રાહત મળવી જોઈએ. લોકોની દાદ માટે આટલો ટેકો બસ હતો. તે ઉપરાંત પણ અમલદારોને રીઝવવા ઓછું નથી થયું. હું એ બાબતની સાક્ષી પૂરું છું. . . .
“ખેડાના પુરુષો જ નહીં, પણ સ્ત્રીઓ પણ આ લડતમાં સામેલ રહે છે. ગામડાંઓની સભાઓમાં એક અલૌકિક દેખાવ થઈ રહે છે. તેઓ કહે છે કે સરકાર ભલે અમારી ભેંસો લઈ જાય, દાગીના લઈ જાય, ખેતરો ખાલસા કરે, પણ અમારા મરદોએ લીધેલી પ્રતિજ્ઞા પાળવી જ જોઈએ. . . .
“ખેડા અને ચંપારણનાનો અનુભવ મને એ શીખવે છે કે લોકનાયકો પ્રજામાં ફરશે, તેમની સાથે ખાશેપીશે તો બે વર્ષમાં એવા મહત્ત્વના ફેરફાર થઈ શકશે, જેની વાત નહીં. આ લડતનો ઊંડો અભ્યાસ કરજો. ખેડા જિલ્લાની પ્રજાને ઓળખી લેજો. લાગણીથી અને વચનથી જેટલી મદદ આપી શકાય તેટલી મદદ આપજો. આપણે અવિનયથી ન્યાય નથી માગતા. પણ સરકારના હૃદયમાં સત્ય જાગ્રત કરીને ન્યાય માગીએ છીએ. ન્યાય નહીં મળે ત્યાં સુધી એ પ્રજા ઝૂઝ્યાં કરવાની છે.”

આ સભાની વિશેષતા એ હતી કે ખેડા જિલ્લાના ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા અને નિષ્પક્ષ તપાસનું પરિણામ આવે ત્યાં સુધી મહેસૂલ ઉઘરાવવાનું મુલતવી રાખવાની સરકારને વિનંતી કરતો મુખ્ય ઠરાવ લોકમાન્ય તિલક મહારાજે રજૂ કર્યો હતો. આ રહ્યા તેમના શબ્દો :

“આ પ્રશ્ન માત્ર ખેડા જિલ્લાના ખેડૂતોને લગતો નથી. સને ૧૮૯૬માં આવી જ પરિસ્થિતિ કોલાબા જિલ્લામાં ઊભી થઈ હતી. અને આ જ મિ. પ્રૅટ તથા તે વખતના મિ. (હાલ સર) જેમ્સ ડુબોલે સાથે મતભેદ પડ્યો હતો. તે વખતે ખેડૂતોની જમીન ખાલસા કરવામાં આવી હતી. જમીન ખેડૂતની હોવા છતાં ફક્ત એક વરસના મહેસૂલની ખાતર સરકાર ખેડૂતને ભીખ માગતા કરી મૂકે છે ! પાક બરાબર ઊતર્યો છે કે કેમ તે તપાસવાની