પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯
અસહકાર


કારોબારી સમિતિ પ્રમુખે બનાવી લેવી એવો શિરસ્તો પાડવામાં આવ્યો. આ બંધારણ અનુસાર ગુજરાતમાં પ્રાંતિક સમિતિ રચાઈ તેના પ્રમુખ સરદાર ચૂંટાયા. તે ૧૯૪૨માં તેઓને અહમદનગરના કિલ્લામાં નજરકેદ રાખવામાં આવ્યા ત્યાં સુધી ચૂંટાતા આવ્યા.

કલકત્તાની કૉંગ્રેસમાં જ ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, અસહકારના ઠરાવમાં દર્શાવેલો આખો કાર્યક્રમ લોકો શાન્તિથી પાર પાડે તો એક વરસમાં સ્વરાજ્ય સ્થાપી શકાય. નાગપુરની કૉંગ્રેસ પછી ‘એક વરસમાં સ્વરાજ્ય’ની હાકલે બહુ જોર પકડ્યું અને લોકોમાં અજબ જુસ્સો ફેલાયો. લોકોને એક પછી એક નિશ્ચિત કાર્યક્રમ આપવો જોઈએ એ હેતુથી નાગપુર કૉંગ્રેસ પછી મહાસમિતિની બેઠક થઈ, એમાં નક્કી કરવામાં આવ્યું કે ૧૯૨૧ના જૂનની ૩૦મી તારીખ પહેલાં કૉંગ્રેસ માટે તિલક સ્વરાજ્ય ફાળામાં દેશે એક કરોડ રૂપિયા ભેગા કરવા, ચાર આનાવાળા એક કરોડ સભાસદો બનાવવા અને દેશમાં વીસ લાખ રેંટિયા ચાલુ કરવા. આમાંથી ગુજરાત કાઠિયાવાડને ફાળે દસ લાખ રૂપિયાનો ફાળો કરવાનું, ત્રણ લાખ સભાસદ બનાવવાનું અને એક લાખ રેંટિયા ચાલુ કરવાનું આવ્યું હતું. બધા પ્રાંતોને વરાડે તો ગુજરાતને ત્રણ લાખ રૂપિયાનો ફાળો કરવાનો આવે, પણ ગુજરાત લડતનો મોરચો બનવા માગતું હતું એટલે તેના ઉપર વધુ બોજો નાખવામાં આવ્યો. બસ, સ્વતંત્રતાના રસિયા કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોને કામ મળી ગયું. સરદારે ગાંધીજીને ગુજરાતને વિષે નિશ્ચિંત રહેવા કહી દીધું હતું. સભાસદો માટે અને ફાળા માટે સરદાર અને બધા કાર્યકર્તાઓ ગામડે ગામડે અને ઘેરઘેર ઘૂમવા મંડી પડ્યા. તેમાં સૌથી ભવ્ય દૃશ્ય બુઝુર્ગગ અબ્બાસ સાહેબને ઘૂમતા જોવાનું હતું. અત્યાર સુધી તેમણે તદ્દન વિલાયતી ઢબે જીવન ગાળેલું અને ગામડાંમાં તો સૂવાની અલગ ઓરડી ન મળે, પાયખાનાની બરાબર સગવડ ન મળે, નાહવાની ઓરડી ન મળે, કપડાં બદલવાની જગ્યા ન મળે છતાં પગ વાળીને બેઠા વિના તેઓ ગામડે ગામડે ફર્યા અને પરિણામે એમને અનુભવ થયો કે પોતે ઉંમરમાં વીસ વર્ષ નાના બન્યા છે. આ બધા કાર્યકર્તાઓની મહેનતને પરિણામે ગુજરાત કાઠિયાવાડે તિલક સ્વરાજ્ય ફાળામાં દસને બદલે પંદર લાખ કર્યા, સભાસદો લગભગ પૂરા કર્યા અને રેંટિયાની સંખ્યા પણ પૂરી કરી. જોકે તે ચાલુ ન રહી શક્યા.

સરકાર આ હિલચાલને કેવી નજરે જોઈ રહી હતી તે જરા જોઈ લઈએ. પહેલાં તેને લાગ્યું હશે કે અસહકાર ચાલવાનો જ નથી એટલે હિલચાલને તેણે હસી કાઢી. પણ જ્યારે વિદ્યાર્થીઓએ શાળાઓ અને કૉલેજો છોડવા માંડી ત્યારે એની ગંભીરતા એના ધ્યાનમાં આવી અને વર્ષની આખર સુધીમાં તો