પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરદાર વલ્લભભાઈ


છે. એમની ધાર્મિકતા, એમનો સંયમ, એમનો ત્યાગ, એમની તિતિક્ષા સાધુ સંતોનાં નહીં પણ ક્ષત્રિય વીરનાં છે. એમનું વર્ણન એક જ શબ્દમાં કરવું હોય તો એમ જ કહેવું જોઈએ કે તે મહા યોદ્ધા છે, વીર સુભટ છે. તેથી જ લોકહૃદયે એમને સરદાર તરીકે અપનાવ્યા છે. આગ્રહ, દૃઢતા, હસતે મોંએ શારીરિક દુઃખો સહન કરવાની અપાર શક્તિ, સંપૂર્ણ નિર્ભયતા, એ બધા મહા યોદ્ધાના ગુણો જે સરદારમાં પરાકાષ્ઠાએ જોવામાં આવે છે તે પોતાના સંયમમય અને આગ્રહી જીવનનો જ વારસો છે. એ ગુણો પિતાશ્રીમાં બીજ રૂપે હશે તે એમનામાં વિકસીને ઉત્કર્ષ પામ્યા. આ ઉપરાંત મોટાં તંત્ર અથવા સંગઠન રચવાની અને ચલાવવાની શક્તિ પણ એમનામાં જન્મજાત છે. અત્યારે આપણા સ્વરાજનું તંત્ર ચલાવવામાં જે મુત્સદ્દીગીરીનો જગતને પરિચય આપી રહ્યા છે તે એમનામાં જન્મજાત છે એમ કહેવું મુશ્કેલ છે. પણ ચરોતરમાં ઘણા મુત્સદ્દીઓ પાક્યા છે. તેમનામાં એક વિશિષ્ટ પ્રકારની, બહાદુરીવાળી મુત્સદ્દીગીરી જોવામાં આવે છે તે સરદારમાં પણ ઉતરી આવી છે એમ કહી શકાય. સરદારને જેમ જેમ પ્રસંગો મળતા ગયા અને એમનું પ્રવૃત્તિક્ષેત્ર જેમ જેમ વિશાળ થતું ગયું તેમ તેમ એ ગુણ અથવા શક્તિ ખીલતી ગઈ છે. એ બધા ગુણોનાં દર્શન તો વાચક જેમ જેમ આ જીવનચરિત્ર વાંચતો જશે તેમ તેમ એને થશે.

સરદારને શારીરિક સહનશક્તિ અથવા તિતિક્ષા પણ વારસામાં મળેલી છે. વકીલાતનો અભ્યાસ કરતા ત્યારે પોતાના એક મિત્રની સાથે વાંચવા માટે બે મહિના બાકરોલ રહેલા. ત્યાં એમને કાખબિલાડી થઈ. ગામડામાં બીજા ઉપાયો તો શેના જડે ? કોઈકે કહ્યું કે ગામમાં અમુક વાળંદ છે તે નસ્તર મૂકીને ગમે તેવું ગૂમડું ફોડી નાખવામાં બહુ હોશિયાર છે તેને બોલાવો. વાળંદને બોલાવ્યો. તેણે નસ્તર મૂકવા માટે સળિયો ધગધગતો કરીને કાખબિલાડીને લગાડગ્યો પણ અંદરથી પરુનો બધો રોષ કાઢી નાખવાની તેની હિંમત ન ચાલી. સરદારે તેને કહ્યું : “આમ જોયા શું કરે છે ? લાવ, તારાથી ન થાય તો હું કરું.” એમ કહીને સળિયો હાથમાં લઈ તરત અંદર ખોસી દીધો અને અંદર ચારે બાજુ ફેરવી બધું પરુ કાઢી નાખ્યું.

વિલાયતમાં ઘરમાલિક એક બાઈને ત્યાં તેઓ રહેતા. સને ૧૯૧૧ના મે મહિનામાં એક દિવસ નહાતી વેળાએ ચક્કર ખાઈને પડ્યા. પછી તો ખૂબ તાવ ચઢ્યો અને પગમાં વાળાનું દરદ માલુમ પડ્યું. ડૉ. પી. ટી. પટેલ, જેઓ પાછળથી મુંબઈ કૉર્પોરેશનમાં હતા તેઓ તે વખતે ત્યાં ભણતા હતા. તેમની સલાહથી એક નર્સિંગ હોમમાં દાખલ થયા. ત્યાં ઓપરેશન કર્યું. પણ સર્જનને આ દરદની બરાબર ખબર નહીં એટલે વાળો પૂરેપૂરો બહાર ન નીકળ્યો. એણે