પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૩
નાગપુર ઝંડા સત્યાગ્રહ

કબજામાં રહેલા બધા કાગળો (સરકારની મરજી પડે એટલા જ નહીં) પ્રસિદ્ધ કરવા સામેનો અમારો વાંધો અમે ઉઠાવી લઈએ છીએ, અને સરકારના અમલદારોના જે કાગળો અમારી પાસે છે તે અમે બહાર પાડીએ તેમાં એમને કશો વાંધો ન હોઈ શકે એવો અમે દાવો કરીએ છીએ.”

આમ સરકારને સાફ સાફ જવાબ આપી દઈ તેમના અમલદારોનાં મોં બંધ કરી દીધાં. તેઓ પછીથી કશું બોલ્યા નહીં. પણ જે રીતે આ લડતનો અંત આવ્યો તે રીત સત્યાગ્રહના સિદ્ધાંત પ્રમાણે જોકે સોએ સો ટકા શુદ્ધ હતી છતાં તે વખતે લોકોનો મોટો ભાગ એ સિદ્ધાંત સ્પષ્ટતાથી સમજ્યો નહોતો. આપણા કેટલાક નેતાઓ અને રાષ્ટ્રીય ગણાતાં વર્તમાનપત્ર પણ શંકાકુશંકાઓ ઉઠાવ્યાં કરતાં હતાં અને લડતમાં આપણી જીત થઈ કે કેમ તેની ચર્ચા કરતાં હતાં. પોતાને અસહકારી માનતા કેટલાક સુશિક્ષિત લોકોના મનમાં પણ એવો ખ્યાલ ભરાયેલો હતો કે સરકાર સાથે લડત ચાલતી હોય ત્યારે તેની સાથે વિષ્ટિ ચલાવવી એ શરણે જવા જેવું છે, તેમાં અસહકારના સિદ્ધાંતનો ત્યાગ થાય છે. છેક દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી તો કહેતા અને કરતા આવ્યા હતા કે કોઈ પણ લડતમાં, અને હિંસાત્મક લડત કરતાં અહિંસાત્મક લડતમાં વિશેષે કરીને, તહનામાં, વાટાધાટો, વિષ્ટિ અને કોલકરારને માનભર્યું સ્થાન છે. સત્યાગ્રહી પોતાનો સિદ્ધાંત અને સ્વમાન જાળવીને જેટલી થઈ શકે તેટલી સગવડ પ્રતિપક્ષીને કરી આપશે, તેની જેટલી અગવડો દૂર કરી શકાય તેટલી અગવડો દૂર કરવા પ્રયત્ન કરશે. પોતાનો સિદ્ધાંત અને સ્વમાન સાચવીને તે સમાધાન માટે હમેશાં ઝંખતો હશે. વિજયનું માન પ્રતિપક્ષીને કેટલું નમાવ્યા તે ઉપરથી કાઢવાનું નથી પણ સત્ય કેટલું આગળ આવ્યું, લડનારાની શુદ્ધિ કેટલી થઈ, તેનું આત્મબળ કેટલું વધ્યું, તેનામાં આત્મવિશ્વાસ કેટલો આવ્યો એ ઉપરથી કાઢવાનું છે. આ લડતમાં આપણા સૈનિકોએ પોલીસ ખાતાના અને જેલ ખાતાના અમલદારો ઉપર જે સારી છાપ પાડી અને બહાર આવીને તેમણે જાહેરસભામાં સરદારને કહ્યું કે, ‘જેલના આકરા અનુભવો છતાં અમારો ઉત્સાહ લેશ પણ મંદ થયો નથી, બલ્કે વધ્યો છે. માટે સ્વરાજને માટે જેલનાં અથવા બીજાં કષ્ટો અમારે ફરી પાછાં વેઠવાનાં આવે એવાં કામ અમારે માટે જલદી જલદી કાઢજો,’ એમાં આ લડતની મોટામાં મોટી જીત હતી.