પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૩
કોકોનાડા, ગાંધીજીની મુક્તિ અને સ્વરાજ પક્ષ


“ધારાસભા પ્રવેશને લગતા દિલ્હીની કૉંગ્રેસે પસાર કરેલા અસહકારના ઠરાવને લીધે ત્રિવિધ બહિષ્કારની કૉંગ્રેસની નીતિમાં કંઈ ફેરફાર થાય છે કે નહીં એવી શંકા ઊભી થયેલી હોવાથી આ કૉંગ્રેસ ઠરાવે છે કે એ બહિષ્કારના સિદ્ધાંત અને નીતિ જેમનાં તેમ કાયમ જ રહે છે.
“વધુમાં, આ કૉંગ્રેસ જાહેર કરે છે કે મજકૂર બહિષ્કારના સિદ્ધાંત અને નીતિ એ તો રચનાત્મક કાર્યક્રમના પાયારૂપ છે, તેથી બારડોલીમાં ઠરાવેલો રચનાત્મક કાર્ચક્રમ પાર પાડવાને તથા સવિનય ભંગને માટે તૈયાર થવાને આ કૉંગ્રેસ દેશને આગ્રહ કરે છે.
“આપણા ધ્યેયને બનતી ઝડપથી પહોંચી વળાય એટલા માટે આ બાબત તાત્કાલિક પગલાં લેવાની આ કૉંગ્રેસ પ્રત્યેક પ્રાંતિક સમિતિને સૂચના કરે છે.”

આ કૉંગ્રેસની મસલત સમિતિમાં કૉંગ્રેસનું ધ્યેય બદલી તેમાં ‘સંપૂર્ણ સ્વાતંત્ર્ય’ એ શબ્દો ઉમેરવા એવો ઠરાવ પણ આવેલો. તેના મુખ્ય કારણમાં કેનિયામાં હિંદીઓનું થતું અપમાન અને તેમને થતા અન્યાય, એ આપવામાં આવેલું. સરદારે આ ઠરાવનો વિરોધ કરતાં કહ્યું :

“મને સંપૂર્ણ સ્વાતંત્ર્ય ગમતું નથી, એમ નથી; પણ અમદાવાદની કૉંગ્રેસે મૌ○ હજરત મોહાનીનો આ મતલબનો ઠરાવ ફેંકી દીધો, ત્યારના કરતાં તો આજે આપણે કેટલાય વધારે નબળા છીએ. કેનિયામાં હિંદીઓનું અપમાન મહાત્માજીને જેલમાં રાખવાના દેશના અપમાન કરતાં મોટું નથી. લાગણીઓને વશ થવામાં વ્યવહારુ દૃષ્ટિ આપણે ભૂલવી ન જોઈએ.”

કોકોનાડાથી પાછા આવ્યા પછી તા. ૧રમી જાન્યુઆરીને દિવસે જ્યારે બોરસદના વિજયનો ઉત્સવ ઊજવાતો હતો તે જ રાતે ગાંધીજીને યરવડા જેલમાંથી પૂનાની સાસૂન હોસ્પિટલમાં લાવી ‘ઍપેન્ડિસાઇટિસ’નું ઑપરેશન કરવામાં આવ્યું અને તા. ૫મી ફેબ્રુઆરીએ તેમને બિનશરતે છોડી મૂકવામાં આવ્યા. સરદાર ગાંધીજીને મળવા પૂના ગયા ત્યારે ‘આવો બોરસદના રાજા’ એ શબ્દોમાં તેમણે એમનું અભિનંદન કર્યું. સરદારના દિલમાં પણ એટલો આત્મસંતોષ હતો કે જ્યારે બાકીના આખા દેશમાં ઓછાવત્તા પ્રમાણમાં ઝઘડાનું અને તિરસ્કારનું વાતાવરણ હતું ત્યારે ગુજરાતમાં તેઓ શિસ્ત, સંપ અને ઉત્સાહ જાળવી રહ્યા હતા અને ગુજરાતને ગાંધીજીનું સ્વાગત કરવા યોગ્ય સ્થિતિમાં તેઓ રાખી શક્યા હતા. તેની સાથે માથા ઉપરથી ચિંતાનો મોટો બોજ હવે ઊતરી ગયો તેની શાંતિ પણ તેઓ અનુભવી રહ્યા હતા. ગાંધીજી જ્યારે ગુજરાતમાં પધારે ત્યારે એમનાં ચરણે ધરવાની ફૂલપાંખડીમાં ગુજરાતે દસ લાખ રૂપિયા કરવા તથા તે ઉપરાંત રચનાત્મક કામનાં ઓછામાં ઓછાં ત્રણ ક્ષેત્ર જ્યાં કાયકર્તાઓ એ ઉદ્દેશથી બેઠેલા જ હતા, તે એવાં તૈયાર કરવાં કે ત્રણમાંથી કયું