પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
મ્યુનિસિપાલિટીમાં સાફસૂફી


કમિટીના છેલ્લા ઠરાવમાં પણ દરેકેદરેક તકરારી મુદ્દાને પોતાના લાભમાં તે સિદ્ધ થયેલા હોય તેમ તેણે માની લીધેલા છે અને કેટલાક કર ભરનારાઓની મ્યુનિસિપાલિટીના પ્રમુખ ઉપર અરજી આવી છે કે આ તો સેનિટરી કમિટીનું ઊભું કરવામાં આવેલું તૂત છે.’

“આ બોર્ડને દિલગીરી થાય છે કે મિ. શિલિડીના જેવું સ્થાન ભોગવતા એક મ્યુનિસિપલ અમલદારને લગભગ ૫૩,૦૦૦ વાર જેટલી જમીન, જે રૂપિયા એક લાખ કરતાં ઓછી કિંમતની ન ગણાય અને જે કાંકરિયા રેલવે સ્ટેશનની નજીક શહેરના અગ્નિ ખૂણામાં આવેલી હોઈ અમદાવાદ જેવા વધતા જતા અને ખૂબ ગિરદીવાળા શહેરને નવા મકાન બાંધવા માટે ભવિષ્યમાં ભારે ઉપયોગી થઈ પડે એવી છે તેની કશી કિંમત નથી.

“આ બોર્ડને એ પણ દિલગીરી થાય છે કે મ્યુનિસિપાલિટીના કીમતી માલકીહકનું રક્ષણ કરવાની પોતાની ફરજ મ્યુનિસિપલ કમિશનર સમજ્યા નથી એટલું જ નહીં પણ મ્યુનિસિપાલિટીએ જ્યારે પોતાના માલકીહકનો અમલ કરવાના પ્રયત્નો કર્યા ત્યારે મ્યુનિસિપાલિટીના ઠરાવ સાથેનો તા. ૬-૧૨-’૧૬નો પોતાનો કાગળ સરકારને મોકલીને એ પ્રયત્નો ઊંધા વાળવાની તજવીજ કરી. એમ કરીને ખાનગી હિતો આગળ સાર્વજનિક હિતોને ગૌણપદ આપવાના આક્ષેપને તેઓ પાત્ર થયા છે.

“તેમનો ઉદ્ધત જવાબ, તેમના નિરાધાર આક્ષેપો અને કાઉન્સિલરોના ઠરાવોની ઠઠ્ઠા કરવાની તેમની ટેવ, એ તંત્રના એકરાગને હાનિકારક છે, એટલું જ નહીં પણ અસંતોષ અને અણરાગ ઉપજાવે એવી છે.

“વળી પ્રમુખ સાહેબે બોર્ડ સમક્ષ રજૂ કર્યા પછી બધાં કાગળિયાં બોર્ડના કબજામાં આવી ગયાં હતાં ત્યાર પછી પણ પોતાના સરકારને લખેલા કાગળના છેલ્લા પેરાના તેર શબ્દો છેકી નાખવામાં તેમણે જે વર્તન બતાવ્યું છે તે માટે હળવામાં હળવા શબ્દો વાપરીએ તોપણ એટલું તો કહેવું જ જોઈએ કે એ વર્તન ભારે ઠપકાપાત્ર છે.

“આ સંજોગોમાં, મ્યુનિસિપાલિટીનું કામ એકરાગથી ચાલે તેની ખાતર બોર્ડને એવું ઠરાવવાની ફરજ પડે છે કે, મિ. શિલિડી આ મ્યુનિસિપાલિટીના મ્યુનિસિપલ કમિશનરના હોદ્દા ઉપર ચાલુ રહી શકે નહીં એ ઉઘાડું છે, અને તેથી પ્રમુખ સાહેબને વિનંતી કરે છે કે મ્યુનિસિપાલિટીનો ઍડમિનિસ્ટ્રેશન રિપોર્ટ જ્યારે સરકારને મોકલવામાં આવે ત્યારે તેની સાથે આ ઠરાવની નકલ મોકલી આપે.”

અમદાવાદ મ્યુનિસિપાલિટીની કારકિર્દીમાં એક ગોરા સિવિલિયનની સામે આવો કડક ઠરાવ રજૂ થયો હોય એવો કદાચ આ પહેલો જ પ્રસંગ હશે.