પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
સરદાર વલ્લભભાઈ
પણ એટલું સમજાય છે કે હવે આજ સુધી ચાલ્યું તેમ નહીં ચાલે. શું થશે તેની અટકળ કરવી મુશ્કેલ છે. પ્રભુ કરે એ ખરું. આવતી તા. ૧લીએ બધા રાંચીમાં મળવાના છે. …
“નારણદાસને બાપુએ બોલાવ્યા છે. હવે આશ્રમવાસીઓએ શું કરવું એનો નિર્ણય કરવાનો છે. બાપુની પહેલી ઑગસ્ટ*[૧] પાસે આવતી જાય છે. હવે એમને એકલાને અંદર જવાનું અને ત્યાંથી હરિજનનું કામ કરવાની છૂટ નહીં મળે તો પાછું અનશન તો ઊભું જ છે. આ વખતે તો છેવટનું જ કરવાનું. એટલે બધાં ભારે મૂંઝવણમાં પડ્યાં છે. બાપુ કહે છે કે એવે ટાણે બધા બહાર રહે એ જ સારું. એટલે એમણે જે નિર્ણય કર્યો છે એ જ બરાબર છે એમ કહે છે.”

પછી બધા કાર્યકર્તાઓના ખબરઅંતર લખે છે :

“મીઠુબહેન હુમણાં મરોલી અને રાજપીપળા, વાંસદા વગેરે દેશી રાજ્યની વચ્ચે ખૂબ ફરે છે. ઈસ્ટરની રજાઓમાં પાછાં મંગળદાસ પકવાસાને ત્યાં લઈ ગયાં હતાં, ખૂબ ગામડાંમાં ફેરવ્યા. પછી મરોલી આવીને પોતે માંદાં પડી ગયાં છે અને મંગળદાસ મુંબઈ આવીને માંદા પડી ગયા લાગે છે. કલ્યાણજી સાથે ફેરવનાર હતા એટલે શું પૂછવું ? હમણાં તો બધા આશ્રમ બંધ પડ્યા છે એટલે મરેલી બધાંને રહેવાનું સ્થળ થઈ પડ્યું છે. કુંવરજી ત્યાં જ છે. વેડછીવાળા ચૂનીભાઈ ત્યાં છે. કેશુભાઈ પણ ત્યાં જ છે. ચૂનીભાઈનાં વહુ અમદાવાદ એની મોટી છોકરી કપિલાને ત્યાં ગયાં હતાં, ત્યાં માળ પરથી પડી ગયાં અને પગની પાનીનું હાડકું ભાંગ્યું. એક મહિના ખાટલે રહ્યાં. એ પણ હવે મરોલીમાં છે. પેલો ગોરધનબાબા હવે સાજો થઈ ગયો છે. પંડ્યાજીની તબિયત સારી છે. એક શેર દૂધ રોજ મળે છે, પણ હવે બિચારા ઘરડા થયા. દાંત તો બધા જ કઢાવ્યા છે. એટલે શું થાય ? સહન કરવાની શક્તિ ઓછી થઈ ગઈ છે. રવિશંકર છૂટીને રાસ ગયા છે. એની તબિયત સરસ છે એમ લખે છે. જેલની કશી જ અસર દાખવી નથી એમ જણાવે છે. અબ્બાસ ડોસા આ વર્ષે પ્રજામંડળના પ્રમુખ થયા છે. ગામડાંમાં ખૂબ ફરે છે. ગયા મહિનામાં ૧૫૧ ગામ ફર્યા એવો રિપોર્ટ આવ્યો છે. સાત હજાર રૂપિયા ઉઘરાવ્યા. પચીસ હજાર કરવાના છે. આ મહિનામાં નવસારીમાં મુકામ રાખી આજુબાજુના ગાયકવાડી વિભાગમાં ફરવાના છે. ડોસા આ ઉંમરે ભારે જોર બતાવી રહ્યા છે. સુરતથી કાનજીભાઈનો કાગળ હતો. એમનો ભત્રીજો રણધીર થાણામાં બે વર્ષને માટે હતો તે હમણાં છૂટ્યો. મોટો છોકરો અહીં છે. તે આવતા માસમાં
  1. * ’૩૩ની પહેલી ઑગસ્ટે ગાંધીજીને પકડ્યા અને એમને એક વર્ષની સજા કરવામાં આવી. તે વખતે જેલમાં હરિજનકામ કરવાની પૂરતી છૂટ ન મળવાથી તેમણે ઉપવાસ કર્યો. એ ઉપવાસમાં તેમને છોડી મૂક્યા. પોતાની સજાનું વર્ષ હરિજન કામમાં જ ગાળવા માટે તેમણે આખા દેશમાં હરિજનયાત્રા કરવાનું નક્કી કર્યું. ૧૯૩૪ પહેલી ઑગસ્ટે એક વર્ષ પૂરું થતું હોવાથી તેઓ શું કરશે એની સરદાર ચિંતા કરતા હતા.