પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩
ફૈઝપુર કૉંગ્રેસ

સર્વાનુમતે થાય એ બહુ ઇચ્છવા જેવું છે. પ્રમુખપદ માટે મારું નામ હું પાછું ખેંચી લઉં છું, તેનો અર્થ એવો તો ન જ થવો જોઈએ કે જવાહરલાલજીના બધા વિચારો સાથે હું સંમત થાઉં છું. કૉંગ્રેસીઓ જાણે છે કે કેટલીક મહત્ત્વની બાબતમાં મારા વિચારો જવાહરલાલજીથી જુદા પડે છે. દાખલા તરીકે વર્ગવિગ્રહ અનિવાર્ય છે એમ હું માનતો નથી. હું શાહીવાદનો કટ્ટો દુશ્મન છું જ અને એ પણ માનું છું કે આપણી ભૂખે મરતી આમજનતા અને આપણા મૂડીદાર વર્ગની વચ્ચે જે આસમાન જમીનનું અંતર છે તે આપણો વિનાશ કરી નાખે એવું છે. પણ તેની સાથે હું એમ નથી માનતો કે મૂડીદારી પ્રથામાં જે ભૂંડાપણું રહેલું છે તે એમાંથી કાઢી નાખવું બિલકુલ અશક્ય છે. જ્યાં સુધી કૉંગ્રેસ સ્વાતંત્ર્યપ્રાપ્તિને માટે અહિંસા અને સત્યને અનિવાર્ય સાધનો માને છે ત્યાં સુધી કૉંગ્રેસીઓએ જો સુસંગત અને પોતે કહે છે તેને સાચા રહેવું હોય તો એમ માનવું જ જોઈએ કે જેઓ આમજનતાનું નિર્દય રીતે શોષણ કરી રહ્યા છે તેમને માનવતા પ્રત્યેના એ ગુનામાંથી બચાવી લેવાનું શક્ય છે. હું માનું છું કે, આમજનતાને પોતાની ભયંકર દુર્દશાનું ભાન થશે ત્યારે એનો ઉપાય શી રીતે કરવો એની પણ તેમને ખબર પડશે. તમામ જમીન અને ઉત્પત્તિનાં તમામ સાધનો સાર્વજનિક હોવાં જોઈએ એ સિદ્ધાંત સ્વીકારવામાં મને કશી મુશ્કેલી આવે એમ નથી. જાતે ખેડૂત હોઈ અને વર્ષો થયાં ખેડૂત વર્ગ સાથે ઓતપ્રોત થયેલ હોઈ જોડા ક્યાં ડંખે છે તેની મને ખબર છે. તેની સાથે હું એ પણ જાણું છું કે લોકોમાં શક્તિ ન આવે ત્યાં સુધી કશું થઈ શકે એમ નથી. સદ્‌ભાગ્યે આપણે જોઈ શક્યા છીએ કે અહિંસક અસહકારથી કેટલું કરી શકાય છે. લોકોને જ્યારે દુષ્ટ બળો સાથેનો સહકાર ખેંચી લેતાં આવડશે ત્યારે એ બળો પોષણને અભાવે એની મેળે ખતમ થઈ જવાનાં છે. પરંતુ પં. જવાહરલાલ ભારપૂર્વક કહે છે તેમ, અને તેઓ સાચું જ કહે છે કે આપણું તાત્કાલિક કામ તો આપણા દેશને પરદેશી ધૂંસરીમાંથી છોડાવવાનું અને શાહીવાદી શોષણને જડમૂળથી નાશ કરવાનું છે. એ કર્યા પછી સિદ્ધાંતો અને યોજનાઓનો અમલ કરવાનો વખત આવશે. અત્યારે તો આપણી વચ્ચે મતભેદોને માટે અવકાશ જ નથી. સ્વાતંત્ર્યપ્રાપ્તિને માટે આપણી આ મહાન રાષ્ટ્રીય સંસ્થામાં જેટલાં બળોને એકઠાં કરી શકાય તે બધાં બળો વચ્ચે સંપૂર્ણ સહકાર આવશ્યક છે.
“અત્યારે આપણી આગળ તત્કાળ તો ધારાસભાની ચૂંટણીનું કામ આવીને ઊભેલું છે. તેમાં કશો મતભેદ નથી. આપણી ઉપર લાદવામાં આવેલા બંધારણનો આપણે સૌ નાશ કરવા ઇચ્છીએ છીએ. ધારાસભાઓમાં જઈને તેને કેવી રીતે નાશ કરવો એ પ્રશ્ન છે. એનો આધાર કૉંગ્રેસના વાવટા નીચે ધારાસભામાં જનારાં ભાઈબહેનોની શક્તિ અને આવડત ઉપર રહેશે. કૉંગ્રેસની મહાસમિતિ અથવા તો કારોબારી સમિતિ કૉંગ્રેસની નીતિ નક્કી કરશે. પરંતુ તેના અમલનો આધાર તેના પ્રતિનિધિઓની વફાદારી, શક્તિ અને આવડત ઉપર રહેશે.
“હોદ્દા સ્વીકારવાનો પ્રશ્ન એ આજે આપણી સામે જીવંત નથી. પણ હું એવો સમય જોઈ શકું છું ખરો કે જ્યારે આપણા હેતુની સિદ્ધિને અર્થે હોદ્દાનો