પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
ફૈઝપુર કૉંગ્રેસ

તેથી તેમના વિચારો કંઈક સૌમ્ય થયા હતા. એટલે તેમણે નીચેનું નિવેદન બહાર પાડીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી :

“મારા સાથીઓએ મને ફરમાશ કરી છે એટલે હું મૌન રાખી શકતો નથી. હમણાં જ મેં સાંભળ્યું કે આ વિષય ઉપર સરદાર વલ્લભભાઈ પટેલે એક નિવેદન બહાર પાડ્યું છે. હજી સુધી મેં તે જોયું નથી તેમ જ તેમાં ચોક્કસ શું કહ્યું છે તે બાબત મારા જાણવામાં આવી નથી. મારા સાથીઓએ કરેલા તારોમાં મારા પહેલા નિવેદન વિશે જે વિચારો દર્શાવ્યા છે તે સંપૂર્ણ સાચા છે. પ્રમુખ તરીકે મારી ચૂંટણી કરવામાં આવે તેથી કૉંગ્રેસે સમાજવાદનો સ્વીકાર કર્યો છે અથવા હોદ્દાસ્વીકારની વિરુદ્ધ મત આપ્યો છે એમ માની લેવું બેહુદું છે. મારા નિવેદનમાં તો સમાજવાદ વિષેના મેં મારા વિચારો દર્શાવ્યા હતા અને મારું દૃષ્ટિબિંદુ તથા મારી પ્રવૃત્તિઓ એનાથી કેવી રીતે રંગાઈ છે એ બતાવ્યું હતું. હું હોદ્દાસ્વીકારની વિરુદ્ધ છું એ પણ તેમાં મેં કહ્યું હતું અને જ્યારે મને તક મળશે ત્યારે કૉંગ્રેસ આગળ મારું આ દૃષ્ટિબિંદુ રજૂ કરવાનો છું. પણ એ વિષે છેવટનો નિર્ણય તો કૉંગ્રેસે પૂરેપૂરો વિચાર કરીને તથા બધા પ્રતિનિધિઓના મત લઈને જ કરવાનો હોય છે. એવો નિર્ણય એમ ગમે એમ થઈ શકે નહીં. હું ચોક્કસ માનું છું કે દેશ આગળ સર્વોપરી મહત્ત્વનો પ્રશ્ન એ રાજદ્વારી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાનો છે. અને તે માટે આપણે બધાએ એકત્ર થઈને સંયુક્ત પ્રયત્નો કરવા એ આવશ્યક છે. આ વસ્તુ ગેરસમજ દૂર કરવાની ખાતર જ હું કહું છું. આડકતરી રીતે પણ હું એમ સૂચવવા ઇચ્છતો નથી કે મારી ચૂંટણી થવી જોઈએ. તેમ છતાં મને ચૂંટવામાં આવશે જ તો એનો અર્થ તો એ થયો કે છેલ્લા આઠ મહિનાની મારી પ્રવૃત્તિની સામાન્ય દિશા કૉંગ્રેસીઓની બહુમતીને પસંદ આવે છે. તેનો અર્થ એમ બિલકુલ નથી કે મારા અમુક ખાસ વિચારો પ્રત્યે કૉંગ્રેસ પસંદગી બતાવે છે. જે વિચારો હું ધરાવું છું તેમાં કશો ફરક પડ્યો નથી અને હું પ્રમુખ ચૂંટાઉં કે ના ચૂંટાઉં પણ મારી પ્રવૃત્તિ એ વિચારોને અનુસરીને જ થવાની છે.”

છેવટે પંડિત જવાહરલાલજી ફૈઝપુર કૉંગ્રેસના પ્રમુખ સર્વાનુમતે ચૂંટાયા. બીજી ઘણી બાબતોની સાથે પોતાના ભાષણમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે,

“કૉંગ્રેસ આજે સંપૂર્ણ પ્રજાતંત્ર ઇચ્છે છે અને એવું પ્રજાતંત્ર સ્થાપવાને માટે, નહીં કે સમાજવાદને માટે, એ લડત ચલાવી રહી છે. કૉંગ્રેસ સામ્રાજ્યવાદની કટ્ટર વિરોધી છે અને આપણા રાજ્યતંત્ર તથા અર્થતંત્રમાં મહાન ફેરફાર લાવવા મથી રહી છે. મારી આશા એવી છે ખરી કે, પરિસ્થિતિ જ આપણને સમાજવાદ તરફ લઈ જશે. હિંદુસ્તાનનાં આર્થિક દુઃખોનો મને તો એ જ માત્ર એક ઉપાય જણાય છે. પણ આજે તો આપણા દેશની વધારેમાં વધારે મોટી જરૂરિયાત એ છે કે શાહીવાદની સામે જેનો મોરચો છે એવાં બધાં તત્ત્વો અને બળોને સંગઠિત કરી તેની સામે સંયુક્ત રાષ્ટ્રીય મોરચો ખડો કરવો.