પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૧
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન

દિલ્હીમાં મળેલી મહાસમિતિની બેઠકમાં ડૉ.ખરે સામે શિસ્તભંગનાં પગલાં લેવાનું નક્કી થયું અને નીચેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો :

“મધ્ય પ્રાંતના પ્રધાનમંડળ અંગે ઊભા થયેલા વિષમ પ્રસંગને પહોંચી વળવા માટે કારોબારી સમિતિએ જે ચાંપતાં અને ચોક્કસ પગલાં લીધાં છે, તેને મહાસમિતિ બહાલ રાખે છે. આ દુઃખદ પ્રસંગમાં ડૉ.ખરેના અને મધ્ય પ્રાંતના ગવર્નરના વર્તન વિષે કારોબારીએ જે વિચારો પ્રગટ કર્યા છે તેને મહાસમિતિ પૂરેપૂરી સંમતિ આપે છે.
“તે ઉપરાંત મહાસમિતિનો એવો સ્પષ્ટ અભિપ્રાય છે કે ડૉ. ખરેએ મધ્ય પ્રાંતના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું ત્યાર પછીની એમની વર્તણૂક સખતમાં સખત નિંદાને પાત્ર છે. તેથી ડૉ. ખરેની સામે શિસ્તભંગ કરવા માટેના આવશ્યક પગલાં લેવાને આ મહાસમિતિ કારોબારી સમિતિને સૂચના આપે છે.”

આમ ડૉ.ખરેના પ્રકરણનો ખેદજનક અંત આવ્યો. કૉંગ્રેસમાંથી નીકળી ગયા પછી ડૉ.ખરે હિંદુ મહાસભામાં જોડાયા અને ૧૯૪૩ની સાલમાં જ્યારે વાઈસરોયે પોતાની કારોબારી સમિતિના સભ્યોમાં વધારો કર્યો ત્યારે જે વખતે કૉંગ્રેસ સરકાર સાથે મરણિયો સંગ્રામ ખેલી રહી હતી તે વખતે વાઈસરોયની કારોબારી સમિતિના સભ્ય બન્યા. પણ માણસ એક વાર પાટેથી ઊતરી જાય છે પછી ક્યાં પહોંચે છે તેનું કંઈ ઠેકાણું રહેતું નથી, તેવું ડૉ.ખરેનું બન્યું.

કૉંગ્રેસે જ્યારે ધારાસભાઓની ચૂંટણીઓમાં ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું હતું કે ધારાસભામાં કૉંગ્રેસની બહુમતી થશે અને કૉંગ્રેસ સત્તા ઉપર આવશે તો એણે કરવાનાં કામોમાં એક મુખ્ય કામ એ હશે કે ગઈ લડતમાં જે લોકોએ પોતાની જમીન અને સ્થાવર મિલકત ગુમાવી છે, તે તેમને પાછી મેળવી આપવામાં આવશે. આ સવાલ મુંબઈ પ્રાંતમાં અને તેમાંય મુખ્યત્વે ગુજરાતમાં હતો. લડત ચાલતી હતી ત્યારે ગાંધીજીએ અને સરદારે લડતમાં ઊતરેલા ખેડૂતોને બહુ ભારપૂર્વક આશ્વાસન આપ્યું હતું કે ભલે સરકાર અત્યારે તમારી જમીનો અને સ્થાવર મિલકતો જપ્ત કરે અને તેની હરાજી કરી બીજાઓને વેચી દે, પણ જ્યાં સુધી એ મિલકતો તમને પાછી મળશે નહીં ત્યાં સુધી આપણી લડત ચાલુ જ રહેશે. એ મિલકતો હરાજીમાં પાણીના મૂલે વેચી નાખવામાં આવતી હતી ત્યારે સરદારે તો ખાસ કહેલું કે આ મિલકતો તો કાચો પારો છે, લેનારાઓને એ પચવાનો નથી, પણ ફૂટી નીકળવાનો છે. કૉંગ્રેસ તરફથી અપાયેલાં આ વચનોનું હોદ્દાઓનો સ્વીકાર કરતાંની સાથે જ પાલન કરવાનું હતું. એટલે મુંબઈની ધારાસભાએ એક ઠરાવ પસાર કર્યો કે આવી રીતે