પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૬
સરદાર વલ્લભભાઈ

આમ આપણે ૧૯૩૮ના અંત સુધી પહોંચી જઈએ છીએ. ૧૯૩૯ની કૉંગ્રેસ ત્રિપુરામાં ભરાવાની હતી. પણ તેની વાત ઉપર જઈએ તે પહેલાં ૧૯૩૮ની સાલમાં સરદારે દેશી રાજ્યોમાં ઘણું કામ કર્યું હતું, તેના વર્ણનમાં આપણે ઊતરવું જોઈએ. પ્રાંતોમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળ રચાયાં અને મધ્ય સરકારમાં સમૂહ તંત્ર (ફેડરેશન) રચવાની વાત ચાલતી હતી, તેથી દેશી રાજ્યોની પ્રજામાં એક જાતની ઉત્તેજના આવી હતી. સમૂહતંત્રમાં દેશી રાજ્યોનું પ્રતિનિધિત્વ તે તે રાજ્યનો રાજા ન કરી શકે, પણ તે તે રાજ્યની પ્રજાને એ હક હોવો જોઈએ એવી દેશી રાજ્યોની પ્રજાની માગણી હતી અને તેથી લગભગ દરેક દેશી રાજ્યમાં રાજાના છત્ર નીચે પણ પ્રજાને સંપૂર્ણ જવાબદાર એવાં રાજ્યતંત્રોની સ્થાપના કરવા માટેની લડત ખૂબ જોસમાં ઊપડી હતી. એક રીતે જોઈએ તો, આવી લડતોને લીધે ૧૯૩૮નું વર્ષ દેશી રાજ્યોના ઈતિહાસમાં એક નવો યુગ પ્રવર્તાવનાર ગણાય.

૨૪
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો – ૧

૧૯૩૦થી ૧૯૩૪ સુધી જે સ્વતંત્રતાની લડત ચાલી એ લડતમાં દેશી રાજ્યની પ્રજાએ ખાસ કરીને ત્યાંના યુવાન વર્ગે બહુ સારો ભાગ લીધો હતો. જેલોમાં એમને કહેવાતા બ્રિટિશ હિંદના આગેવાનો, કાર્યકર્તાઓ તથા યુવાવર્ગ સાથે સારી રીતે સંસર્ગમાં આવવાનું થયું. તેઓ સમાજવાદી વિચારના યુવાનો સાથે પણ ઠીક ઠીક સંપર્કમાં આવ્યા. જેલોમાં સમાજવાદી સાહિત્યના તેમ જ ગાંધી સાહિત્યનો ખૂબ અભ્યાસ થયો. આ બધાંને પરિણામે એમને દેશી રાજ્યોમાં ચાલતી રાજાઓની જોહુકમી, જે પહેલાં પણ કઠતી તો હતી જ, તે વધુ કઠવા લાગી. દેશી રાજાઓનું શાસન, જે મધ્યયુગની ઠકરાત પદ્ધતિના અવશેષ રૂપ હતું તે કેમ કરીને જલદીમાં જલદી ફગાવી દેવાય, એનાં સ્વપ્નાં તેઓ સેવવા લાગ્યા.

કૉંગ્રેસે પહેલેથી જ ગાંધીજીની સલાહથી દેશી રજવાડાંઓની બાબતમાં હસ્તક્ષેપ ન કરવાની નીતિ રાખી હતી. ગાંધીજીનો જન્મ કાઠિયાવાડના દેશી રાજ્યમાં થયેલ હોઈ અને બાળપણ તેમ જ વિદ્યાભ્યાસનો કેટલોક કાળ ત્યાં વ્યતીત થયેલો હોઈ કાઠિયાવાડનાં રાજ્યોની પરિસ્થિતિથી તેઓ સારી પેઠે પરિચિત હતા. તેમનું માનવું એવું હતું કે, જ્યાં સુધી દેશી રાજ્યોની પ્રજામાં બરાબર સંપ ન થાય અને પોતાના પગ ઉપર ઊભા રહેવાની શક્તિ