પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦૯
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩

વિચાર્યું કે ગામડાની પ્રજામાં કામ કરવાનો યુવરાજના જેટલો જ અમને પણ હક્ક છે. ગામડાંની જોડે રાજ્યના કરતાં અમારો સંબંધ ઓછો નથી. રાજ્યે તો અત્યાર સુધી તેમને ચૂસ્યાં જ છે, જ્યારે અમે તો ગામડાંની જનતાને તેમના હકોનું ભાન કરાવવા માગીએ છીએ. એટલે તા. ર૪–૧૨–'૩૮ના રોજ લીમડીના શહેરીઓની એક જાહેર સભા કરીને તેમણે પ્રજામંડળની સ્થાપના કરી.

યુવરાજને પ્રજામંડળના આગેવાનોની આ પ્રવૃત્તિ જરાયે પસંદ પડી નહીંં. તેમને એમ લાગ્યું કે આગેવાનો પોતાનું ધાર્યું કરવા માગે છે. એટલે તેમણે એક બીજો તુક્કો કાઢ્યો. પ્રજામંડળવાળા પ્રજાના પ્રતિનિધિ જ નથી, એવું બતાવવા લીમડી શહેરમાં કેટલાક હિંદુઓ પાસે એક સનાતન મંડળ નામની અને મુસલમાન પાસે મુસ્લિમ જમાત નામની કોમી સંસ્થાઓ સ્થપાવી. રાજ્યના લગભગ બધા જ અમલદારો અને નોકરી તેના સભ્ય થયા.

ગામડાંમાં પણ પગી તથા પસાયતાઓને સૂચના આપી કે ગામડાંમાં કોઈ પણ માણસ પ્રજામંડળનું કામ કરે તો તેને ધાકધમકી આપીને દબાવી દેવા. આવું કરવામાં રાજ્ય તરફથી તમને બધી સગવડ આપવામાં આવશે. ખૂબી એ હતી કે કશો હુકમ કે સૂચના લેખી આપવામાં આવતી નહીંં.

પ્રજામંડળના આગેવાનોએ જેમ જેમ ગામડાં સાથે સંપર્ક સાધવા માંડ્યો તેમ તેમ રાજ્યની જોહુકમીથી અકળાઈ રહેલા લોકો તરફથી તેમને ઉત્સાહજનક જવાબ મળવા માંડ્યો. પોતાને ગામે પ્રજામંડળની શાખા ખોલવાનું ગામલોકો આમંત્રણ આપવા લાગ્યા. પ્રજામંડળે ગામડાંમાં સ્વયંસેવકો નોંધવાનું પણ શરૂ કર્યું. ગામલોકોના ઉત્સાહમાં વધારો કરવા પ્રજામંડળે બહારથી પણ નેતાઓને આમંત્રણ આપવા માંડ્યાં. દરબાર ગોપાળદાસનાં પત્ની ભક્તિબાને લીમડીના ઠાકોર સાહેબ પોતાની દીકરી સમાન ગણુતા, કારણ તેમના પિતા લીમડીના દીવાન હતા અને હાલના ઠાકોર સાહેબને ગાદી અપાવવામાં તેમણે સારી મદદ કરેલી. એટલે સ્વાભાવિક રીતે જ ભક્તિબાને લીમડી રાજયમાં ફરવા માટે પ્રજામંડળ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. પણ જાંબુ નામના ગામમાં રાજ્યના ભાડૂતી ગુંડાઓ તેમની મોટર આસપાસ ફરી વળ્યા અને તેમણે કાર્યકર્તાઓને મારવા માંડ્યા તથા મોટરનું નુકસાન કર્યું. પણ ભક્તિબાની હિંમતથી આખું ગામ ધસી આવ્યું તેથી પેલા ગુંડાઓને નાસી જવું પડ્યું. આ બનાવથી લડતનાં પગરણ મંડાયાં. થોડા દિવસ પછી શિયાણી ગામ આગળ પ્રજામંડળના એક આગેવાનની મોટર ઉપર ગુંડાઓએ આવો જ હુમલો કર્યો. પ્રજામંડળમાં વેપારીઓ બહુ આગેવાનીભર્યો ભાગ લેતા હતા. એટલે તેમને ઘેર ચોરીઓ કરાવવા માંડી.