પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪૬
સરદાર વલ્લભભાઈ

જગતમાં કાયમને માટે નવી વ્યવસ્થા સ્થપાવાનો સંભવ છે. રાજકીચ, સામાજિક, ને આર્થિક દૃષ્ટિએ જોતાં, આ વિષમ પ્રસંગ એ ગયા મહાયુદ્ધ પછી ચોંકાવે એવી રીતે વધેલા સામાજિક અને રાજકીય સંધર્ષો અને વિરોધોનું અનિવાર્ય પરિણામ છે. જ્યાં સુધી એ સંધર્ષો અને તેના વિરોધો દૂર થશે નહીં અને નવી સમતુલા સ્થપાશે નહીં ત્યાં સુધી આ વિષમતાનું અંતિમ નિરાકરણ થવાનું નથી. એક દેશને હાથે થતાં બીજા દેશના આધિપત્ય અને શોષણનો અંત આવે અને સૌના કલ્યાણ માટેના ન્યાયી પાયા ઉપર આર્થિક સંબધની પુન:સ્થાપના થાય તો જ આ સમતુલા સ્થપાઈ શકે.

“ આ બાબતમાં હિંદુસ્તાન એક કોયડારૂપ છે. કેમ કે હિંદુસ્તાન એ આધુનિક સામ્રાજ્યશાહીના ભારે દૃષ્ટાંતરૂપ છે. આ માર્મિક પ્રશ્નની ઉપેક્ષા કરીને જગતની જે નવરચના થશે તે સફળ થવાની નથી. હિંદુસ્તાનની પાસે વિપુલ સાધનસામગ્રી હોઈ, જગતની નવરચનાની કોઈ પણ યોજનામાં તે અગત્યનો ભાગ ભજવ્યા વિના રહેવાનું નથી. પણ પોતાની શકિતઓ આ મહાન ધ્યેયને માટે વાપરી શકે એવા સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જ તે આમ કરી શકે. આજના જમાનામાં સ્વતંત્રતા એ અખંડ અને અવિભાજ્ય વસ્તુ બની ગઈ છે. જગતના કોઈ પણ ભાગમાં સામ્રાજ્યશાહી આધિપત્ય કાચમ રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તેમાંથી નવી નવી આફતો ઊભી થયા વિના રહેશે નહીંં.

"કારોબારી સમિતિએ જોયું છે કે ઘણા દેશી રાજાઓએ આ યુદ્ધમાં પોતાની સેવાઓ અને સાધનસામગ્રી આપવાની તત્પરતા બતાવી છે, અને એ રીતે યુરોપની લોકશાહીને મદદ આપવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. પરદેશમાંના લોકશાસનની તરફેણમાં પોતાની સહાનુભૂતિ તેમણે જાહેર કરવી જ હોય તો આ સમિતિ એમ સૂચવે છે કે એમણે પોતાનાં રાજ્યમાં જ્યાં આજે નિર્ભેળ આપખુદી પ્રવર્તી રહી છે ત્યાં લોકશાસન દાખલ કરવાની પહેલી કાળજી રાખવી જોઈએ. ગયા વરસમાં અમને એવા દુ:ખદ અનુભવ થયા છે કે આ આપખુદીને માટે રાજાઓના પોતાના કરતાં પણ હિંદુસ્તાનમાંની બ્રિટિશ સરકાર વધારે જવાબદાર છે. તેની આ નીતિ એ લોકશાસનને અને જે નવી જગતવ્યવસ્થાને માટે ગ્રેટબ્રિટન યુરોપમાં લડવાનો દાવો કરે છે તેનો નર્યો ઇન્કાર છે.

“યુરોપમાં, આફ્રિકામાં અને એશિયામાં ભૂતકાળમાં બની ગયેલા અને ખાસ કરીને હિન્દુસ્તાનના ભૂત અને વર્તમાનના બનાવોનું અવલોકન કરતાં, તેમાં લોકશાસન કે આત્મનિર્ણચનું કાર્ય આગળ ધપાવવાનો કશો પ્રયત્ન કારોબારી સમિતિને દેખાતો નથી. વળી બ્રિટિશ સરકારનાં યુદ્ધને અંગે કરેલાં જાહેરનામાંનો અમલ થઈ રહ્યો છે કે થવાનો છે એવો કશો પુરાવો પણ એને દેખાતો નથી. સામ્રાજ્યવાદ અને ફાસીઝમ બંનેનો તેમ જ તેમની સાથે ભૂતકાળમાં અને અત્યારે જડાયેલાં આક્રમણોને અંત આવે એ લોકશાસનની સાચી કસોટી છે. એ ધારણા ઉપર જ નવરચના થઈ રાકે. જગતની નવરચના માટેની લડતમાં દરેક રીતે મદદ કરવાની ઇચ્છા અને આતુરતા આ સમિતિ ધરાવે છે. પણ જે લડાઈ સામ્રાજ્યવાદી ધોરણે ચાલે છે અને જેનો ઉદ્દેશ હિન્દુસ્તાનમાં તેમ જ બીજે