પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૧
વ્યક્તિગત સવિનય ભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી

આગ્રહ તો હતો જ કે તમારે પ્રથમ તબિયત બરાબર કરી લેવી જોઈએ. એટલે જાન્યુઆરીની આખરમાં, સુરતની પાસેના દરિયાકિનારા ઉપરના હજીરા સ્થળે હવાફેર માટે ગયા. ત્યાં ખોરાકના પ્રયોગો તથા મસાજ વગેરેના ઉપચારો કર્યા. તા. ૭-૨-’૪રના રોજના કાગળમાં ગાંધીજી લખે છે :

“તમારું આંતરડાંનું ગૂંચળુ કેવળ ખોરાકની યોગ્ય પસંદગીથી જવાનું જ છે એવો વિશ્વાસ કરજો. પાયખાને બેસતાં જરાય તાણ ન કરવી જોઈએ.”

હજીરા રહ્યા તે દરમ્યાન સરદારે સુરત રાષ્ટ્રીય કેળવણી મંડળનું એક બહુ જૂનું કામ પતાવી નાખ્યું. આ જીવનચરિત્રના પહેલા પુસ્તકના અઢારમાં પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ કે સુરત મ્યુનિસિપાલિટીએ કેળવણીની બાબતમાં સરકાર સાથે ૧૯૨૧માં અસહકાર કર્યો અને પોતાની શાળાઓ રાષ્ટ્રીય કેળવણી મંડળને સોંપી તથા તેને લગભગ એક લાખ આઠ હજારની મદદ મ્યુનિસિપલ ફંડમાંથી આપી. એ કૃત્યને ગેરકાયદે ગણી મ્યુનિસિપાલિટીના અસહકારી સભ્યો ઉપર સરકારે એટલી રકમનો દાવો માંડ્યો હતો. કોર્ટે એ રકમમાંથી ફક્ત ચાળીસ હજારની રકમ ગેરકાયદે અપાયેલી છે એમ ઠરાવી રૂપિયા ચાળીસ હજારનું હુકમનામું મ્યુનિસિપાલિટીના અસહકારી સભ્યો ઉપર કર્યું હતું. સુરતના રાષ્ટ્રીય કેળવણી મંડળને ખાતે એટલી રકમનું દેવું ખેંચાતું હતું. પણ તેની પાસે થોડીક જમીન હતી તેના ભાવ લડાઈને લીધે વધ્યા હતા. રાષ્ટ્રીય કેળવણી મંડળના બીજા ટ્રસ્ટીઓની સંમતિ લઈને સરદારે એ જમીન વેચી નાખી અને દેવું પતાવી દીધું.

તેઓ હજીરા હતા ત્યાં એમને જમનાલાલજીના અવસાનના સમાચાર મળ્યા. એટલે મહાદેવભાઈને નીચેનો કાગળ તા. ૧૨- ૨-’૪રની રોજ લખી તેમાં પોતાનું દુઃખ ઠાલવ્યું અને જમનાલાલને અંજલિ આપી :

“તમારો તાર હમણાં ત્રણ વાગ્યે મળ્યો. એ વાંચી અમે તો સ્તબ્ધ જ થઈ ગયા. હું હમણાં જ વર્ધાથી આવ્યો ત્યારે મને વચન આપ્યું હતું કે ૧૫મી ફેબ્રુઆરીએ એમનું વ્રત ગાડીમાં કે મોટરમાં ન બેસવાનું પૂરું થાય છે. તો તે પૂરું થયા પછી થોડા દિવસ મારી સાથે આવીને હજીરા રહેશે. મરણ તો બહુ જ સારું. પણ કહેવત છે સો મરજો પણ સોના પાળનાર ન મરજો. આ તો અનેકને પાળનાર ગયો. આજે કેટલાય આ દેશમાં અનેક સ્થળે, અનેક ક્ષેત્રમાં કામ કરનારા મૂંગા સેવકો છૂપાં આંસુ સારશે. બાપુનો સાચો પુત્ર ગયો. જાનકીદેવીને માથેથી છત્ર ગયું. કુટુંબને માથેથી ઢાંકણ ગયું. દેશનો વફાદાર સેવક ગયો. કૉંગ્રેસનો સ્થંભ તૂટી પડ્યો. અનેકનો મિત્ર અને અનેક સંસ્થાઓનો પોષક ગયો. અને આપણો તો સગો ભાઈ ગયો. મને તો સૂનું સૂનું લાગે છે. ગોપુરીનો આત્મા જ ઊડી ગયો અને ગરીબ બિચારી ગાયનો સાચો સાથી, બાકીની જિંદગી એને જ અર્પણ કરનાર આમ એકદમ ચાલી ગયો.
“ઈશ્વર આપણને એમણે અધૂરાં મૂકેલાં કામનો બોજા ઉપાડવાનું બળ આપે.”