પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
ગાંધીજી અને સરદારની ગિરફતારી : સરકારનું દમનચક્ર
ખેંચી કાઢવામાં આવી. કેટલીયે મ્યુનિસિપાલિટીનાં મકાનો પરથી રાષ્ટ્રીય વાવટા ઉતારી લેવામાં આવ્યા છે. એક પિતાએ પોતાના છોકરાનો દંડ ભરવાની ના પાડી તે માટે તેને છ મહિનાની સજા કરવામાં આવી છે. કૉંગ્રેસ સાથે સંબંધ નહીં ધરાવતી એવી સંસ્થાઓને પણ ગેરકાયદે ઠરાવવામાં આવી છે. કેવળ વહેમ ઉપરથી પકડાપકડી કરવાનું કામ તો ચાલુ જ છે. દુકાનદારો અને હોટેલવાળાઓની ધરપકડ કરીને તેમને ચેતવણી આપવામાં આવે છે કે કૉંગ્રેસવાળાઓને ખોરાક અથવા આશ્રય ન આપવો. કાલિકટમાં એક સ્ત્રીને જેલની સજા કર્યા પછી મૅજિસ્ટ્રેટના હુકમથી તેનું મંગળસૂત્ર કાઢી લેવામાં આવ્યું. હિંદુઓમાં સૌભાગ્યવતી સ્ત્રી પતિની હયાતીમાં કદી મંગળસૂત્ર કાઢતી નથી. મદ્રાસમાં બીમારને માટેની મોટ૨ (ઍબ્યુલન્સ કાર) ના એક હાંકનારને, પોલીસના મારથી બેભાન થઈ ગયેલા સ્વયંસેવકોને ઉપાડીને લઈ જવાનો પ્રયત્ન કરતાં ફટકા મારવામાં આવ્યા. આખા દેશમાં વર્તમાનપત્રોના સમાચારો ઉપર જાપતો મૂકી દેવામાં આવ્યો છે, અને સરહદ પ્રાંતના તો કશા જ સમાચાર બહાર આવવા દેવામાં આવતા નથી. છાપાંઓને મોઢે ડૂચા મારવામાં આવ્યા છે અને તંત્રીઓને તાકીદ આપવામાં આવી છે કે ચળવળની સાથે જોડાયેલા કોઈ પણ માણસની છબી કે નામઠામ છાપવાં નહીં. સરહદ પ્રાંતના ખુદાઈ ખિદમતગારો ઉપર અમાનુષી અત્યાચારો કરવામાં આવ્યા છે. મને એમ ખબર મળી છે કે પેશાવરના કેટલાક સ્વયંસેવકો ઉપર એટલા ઘાતકી અને જુગુપ્સા ઊપજે એવા અત્યાચારો કરવામાં આવ્યા કે એ સહન ન થઈ શકવાથી, અને ગમે તેટલી ઉશ્કેરણી થાય તોપણ અહિંસાની પ્રતિજ્ઞા પાળવાનો તેમનો નિશ્ચય હોવાથી, તેમાંના ઘણા પેશાવર છોડીને બીજે કામ કરવા ચાલ્યા ગયા.
“આ બધાં પરિસ્થિતિમાં સુધારો થયાનાં લક્ષણ નથી. આ હેવાલો ઉપરથી અને સરહદ પ્રાંતમાં ગોળીબારથી ઘણા માણસો માર્યા ગયા છે એ સમાચાર ઉપરથી એમ ચોક્કસ જણાય છે કે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે તે વિષે સ્વતંત્ર તપાસ થવાની જરૂર છે. સર સેમ્યુઅલ હોર કહે છે કે યુક્ત પ્રાંતમાં નાકરની લડત લગભગ બંધ થઈ ગઈ છે. જો ખરેખર એમ હોય તો ત્યાં જુલમ કેમ બંધ થતો નથી ? અલ્લાહાબાદ જિલ્લામાં અમલદારોએ પોલીસની મદદથી કેટલાંયે ગામો ઉપર ધાડ પાડી છે અને જુલમ ગુજાર્યા છે. કેટલીયે જગ્યાએ થોડા આનાના ગણોતની વસૂલાત માટે સેંકડો રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે અને એમ કરીને કિસાનોને તદ્દન નિરાધાર કરી નાખવામાં આવ્યા છે. ગામડાના લોકોને નિર્દય રીતે માર મારવામાં આવ્યો છે. આટઆટલું છતાં વિરોધ તો વધુ ને વધુ પ્રબળ થતો જાચ છે. સંખ્યાબંધ માણસો પોતાનાં ઘરબાર છોડીને ઝાડ નીચે પડ્યાં રહે છે, અને સરઘસો કાઢવાનું અને સભાઓ ભરવાનું કામ કર્યા કરે છે. આવા સ્વયંસેવકોના દંડ માટે પોલીસ તેમનાં સગાંઓની મિલકત જપ્ત કરે છે. સ્ત્રીઓને લૉરીઓમાં ભરીને કેટલાયે માઈલ દૂર નિર્જન જગ્યાએ લઈ જઈ ત્યાં છોડી મૂકવામાં આવે છે. સ્વયંસેવકોને મારી મારીને અધમૂઆ કરી નાખી તેમનાં કપડાં કાઢી લઈ રસ્તા ઉપર ફેંકી દેવામાં આવે છે. બે માણસોને તો એક ઘોડાગાડીની પાછળ બાંધીને કેટલેય દૂર સુધી