પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



૫.
સારાંશ


મહાન રસ્કિનના લખાણની મતલબ હવે અમે પૂરી કરી છે. આ લખાણ જોકે ઘણા વાંચનારને લૂખું જણાશે, છતાં જેઓએ વાંચ્યું છે તેઓને અમે ફરીથી વાંચવા ભલામણ કરીએ છીએ. 'ઇં. ઓ.'ના બધા વાંચનાર તેનો વિચાર કરી તે પ્રમાણે ચાલે એવી આશા રાખવી એ વધારે પડતું ગણાશે. પણ બહુ જૂજ વાંચનાર પણ જો તેનો અભ્યાસ કરી તેમાંથી સાર ખેંચશે તો અમારી મહેનત ફળી સમજીશું. કદાચ તેવું ન બને તોપણ રસ્કિનના છેલ્લા પ્રકરણ પ્રમાણે અમે અમારી ફરજ બજાવી ગયા તેમાં જ ફળનો સમાસ થયો, એટલે અમારે સદાય સંતોષ રહેવા જેવું છે.

રસ્કિને પોતાના ભાઈઓ – અંગ્રેજોને સારુ લખ્યું તે જો અંગ્રેજોને એક હિસ્સે લાગુ પડે છે તો હિંદીને હજાર હિસ્સે લાગુ પડે છે. હિંદુસ્તાનમાં નવા વિચારો ફેલાઈ રહ્યા છે. આજકાલના પશ્ચિમની કેળવણી પામેલા જુવાનોમાં જુસ્સો આવ્યો છે એ તો ઠીક વાત છે. પણ જુસ્સાનો ઉપયોગ સારો થાય તો સારું પરિણામ આવે, ને જો ખોટો ઉપયોગ