પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

ચોપડી વાંચતાં સમજાયું હશે કે આ ભારે ક્રાન્તિકારી કાર્યક્રમ છે. જમીન ઉપર કોઈની ખાનગી માલિકી હોઈ શકે નહીં, તેમજ જેની પાસે મિલકત હોય તે તેમાંથી પોતાના ખપજોગું એાછામાં ઓછું વાપરે અને બાકીનાનો ટ્રસ્ટી બને.

બીજી વાત આમાં એ છે કે લોકો સાદું જીવન ગાળે. અત્યારે શ્રીમંત લોકો જે વૈભવી જીવન ગાળે છે તે દરેકને માટે શક્ય નથી, અને આપણે સામાજિક તેમજ આર્થિક સમાનતા સ્થાપવી છે એટલે દરેક માણસે પોતાની જરૂરિયાતો મર્યાદિત કરવી જ પડશે.

જેમાં કશું કામ ન હોય એવી ફુરસદ કોઈ પણ માણસ ભોગવી શકશે નહીં. ફુરસદ એટલે કશું કામ નહીં કરવાનું એવું નહીં, પણ આપણને મનપસંદ પડે તેવું કામ કરવાનો વખત. એ અર્થમાં દરેક માણસને અમુક ફુરસદ મળવી જ જોઈએ; તો જ તેનો યોગ્ય વિકાસ થાય. માણસ એકલી રોટી ખાઈને જીવતો નથી.

અત્યારે મોટાં કારખાનાંમાં ઉત્પાદનનાં સાધનો માલિકનાં હોય છે અને મજૂરોને હાથ હલાવતા જઈ તેના ઉપર કામ કરવાનું હોય છે. સર્વોદયની રચનામાં ઉત્પાદનનાં સાધનો મોટે ભાગે સાચા ઉત્પાદકની માલિકીનાં જ હશે. જ્યાં સુધી માણસને મજાર ગણવામાં આવે છે ત્યાંસુધી અસંતોષ અને કલહો રહેવાના જ.

કેટલીક વસ્તુઓનું ઉત્પાદન મોટાં કારખાનાં સિવાય બની શકે એવું નથી. તેવાં કારખાનાંઓમાં મજૂરને માલિકનો સહભાગીદાર બનાવવો જોઈએ, જેથી એના ઉપર પણ જવાબદારી રહે અને માણસ તરીકેના એના ગૌરવને હાનિ ન પહોંચે.

આ પુસ્તક રચનાત્મક કાર્યકર્તાઓને ઉપયોગી થઈ પડશે.

બારડોલી
તા. ૩–૪–૫૫
નરહરિ પરીખ