પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
सासुवहुनी लढाई
 

ને કેડે નાની સરખી વેંતીઆ ઝીણી પોતડી (પંચીયું) તે એવી કે અરધા નાગા જણાય, એક બગલમાં પત્રાળાં ને બીજીમાં અબોટીયું. એક હાથમાં મીઠા પાણીનો ચંબુ ને પડીઆ (દડીઆ). કોઈએ જોડે નહાવાને ઉનું પાણી પણ રાખેલું. પોળના કૂવા પર રમાનંદે ઘડો દોરડું મૂક્યાં હતાં, તે વડે હાથે પાણી કાઢી કેટલાક નાહ્યા; જેઓ ઘેરથી નહાવાનું પાણી લાવ્યા હતા તેઓ એક લોટે આખું અંગ પલાળતા. એ હુનર હવે થોડાજ બ્રાહ્મણોને આવડે છે.

નહાઈ નહાઈને પોળમાં હારબંધ બેઠા, ને મીઠું અથાણું આવવા માંડ્યું કે વરસાદના છાંટા થયા, ને પવન નિકળ્યો. કેટલાક ફક્કડો કહે ઠીક મહારાજો ઘી સારાં ઠરશે ને ખાવાની મજા પડશે, ટાંકાં પથરા જેવાં બંધાઈ જશે. ચુરમો પીરસાયો ને ઘીની તામડીઓ (વટલોઇઓ) લઈ જુવાનીઆ નિકળી પડ્યા. નફટ ભૂદેવો આનંદ પામવા લાગ્યા. ઘીને ચુરમાનો મલીદો કોસણવા મંડી ગયા ને ટાંકાં કરવાના પડીઆ જુદા ભર્યા. શાક, વડાં વગેરે આવી રહ્યાં કે વિજીઆનંદ અને તેના ભાઈબંધ બુરું (ધોએલી ખાંડ) ગરમામાં લઈ પીરસવા આવ્યા; ને રમાનંદ પંડ્યા બરાબર પીરસાય છે કે નહીં તે તપાસવા નિકળ્યા. બ્રાહ્મણો તેનાં પાર વનાનાં વખાણ કરે, અરે મહારાજ તમે દેવ સ્વરૂપ, તમારાં ઘર અસલનાં, શી આબરૂ, તમ વડે જ્ઞાતિ દીપે છે. આ ઘી ક્યાંથી મંગાવ્યાં, આ સાકેરીઆ ખાંડના શા વખાણ કરીએ' વગેરે ગપ્પો મારે, ને હરખાતા જાય, જાણે વિવાહની નાત કે ઉજાણી હોયને. રમાનંદના ઘરની પાસે વાણીઆનું ઘર હતું, ત્યાં કેટલીક બાઈડીઓ જોવા બેઠી હતી તેમાંની કેટલીક સુંદરની બેનપણીઓ હતી. તેમની આંખોમાં એ જોઈ આંસુ આવ્યાં. તેઓ કહે આ મુવા દઈત કે એ રોયા રાક્ષસ, મુવાની પાછળ તે શોક હોય કે મીજબાની ? ધૂળનાખી જમવું હોય તો નીચે માથે જમી ગયા, ઓછવ હોય તેની ગોડે આ ઉધમાત શો !! ઘરડું ખોખરૂં મુવું હોય તો તો પીટ્યા ખુશી થતા; જુવાનની પાછળ પણ તેમ ! ધિક્કાર છે એ નફટ અસુરોને !! શું રે મારી બાઈ લગન ને કાંણ બધું સરખું, મુવા પાછળ જમાડવાનો ચાલ ન હોત તો સારૂં, ખરે !

બ્રાહ્મણોએ જમવા માંડ્યું ને પવનનું જોર એટલું બધું વધ્યું કે ધૂળથી વાદળ છવાઈ ગયું, ને ભાણાં ધૂળે ઢંકાઈ ગયાં. તોએ ભટ્ટા જમ્યા ગયા; અંતે જ્યારે છાપરેથી નેવાં (નળાઆં) ઉડી પડવા માંડ્યાં ત્યારે ઉઠી ગયા. બે ચારનાં માથાએ ફૂટ્યાં. અરધુંક જમ્યા ને ઉઠવું પડ્યું. દરેકના પેટમાં ઓછામાં ઓછી પાશેર ધૂળ ગઈ હશે. જેવા તેઓ ઉભા થયા કે ઢેડિયાં પડ્યાં. જેનાથી જેમ નસાય તેમ નાઠા. બઈરાં બૂમો પાડે ને છોકરાં રોય. અનપૂર્ણા છાજીઆં લેવા લાગી, ને કહે અમારા ઉપર આ શો દૈવનો કોપ કે નાગરીનાત ધૂળ ખાઈને ભૂખી પીડા પામતી ઘેર જાયછે ! રમાનંદ કહે હશે ઇશ્વરની ઈચ્છા આગળ માણસનો ઉપાય નહીં. એ બ્રાહ્મણોના કરમમાં આજ ધૂળ ખાવી હશે તે કેમ મિથ્યા થાય ! કરે તેવું પામે. વિજીઆનંદ કહે ભૂંડી સાસુ ઘરમાં કંકાસ કલેશ કરાવે તેની એવી ફજેતી થાય. તે વહુવારૂને એક ઘડી ઝંપવા દીધી નહિ તેનાં ફળ આ થયાં.

હવે નવો લાંચીઓ થાણેદાર અનપૂર્ણા ઉપર કામ ન ચલાવે માટે તેને સંતોષવો પડ્યો.

– સમાપ્ત –