પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બની જાય છે – જો વર્ગ વર્ગ વચ્ચેનાં હિતોની દીવાલોને પ્રથમ ન તોડી નાખવામાં આવે તો.

અને સિંકલેરે વિનોદિનીનું પાત્ર સર્જીને તો લેખકોની જૂની પરંપરાગત મનોદશા પર એક માર્મિક પ્રહાર કર્યો છે. વાર્તાના ગરીબ, નાયકને કોઈ રાજકુળની અથવા કોઈ શ્રીમંત અગ્રેસરની કન્યા જોડે ‘સુમુહૂર્ત શુભલગ્નં’ કરાવીને સમાજની નવરચનાનો માયાવી માર્ગ દેખાડનાર લેખકો ખરી રીતે તો બે પાત્રોની આસપાસ જૂઠી, આંજી નાખનારી અદ્‌ભુતતા જ સરજે છે. અને સિંકલેર શામળ–વિનોદિનીના સંબંધ દ્વારા એવો ધ્વનિ કાઢે છે કે વર્ગ વર્ગ વચ્ચેનું એવું કોઈ ભાવના-લગ્ન સંભવિત જ નથી, અથવા ઈષ્ટ જ નથી, કેમ કે એવું લગ્ન અકુદરતી છે. અથવા કોઈ એકાદ કિસ્સામાં એવું લગ્ન શક્ય બન્યું તોયે તેથી શું ? સમાજની પુરાણી રચનાને ઉથલાવી પાડવા માટે એ લગ્નમાં જોડાયેલાંની તૈયારી હોઈ શકે જ નહીં. વર્ગીય સ્વાર્થવૃત્તિ એવા લગ્નને પોતાનું જ સાધન બનાવી કાઢે છે.

એ રીતે અપ્ટન સિંકલેરે આ પુસ્તકને આપણી પાસે સમાજવાદની એક બાળપોથીરૂપે મૂકેલું છે. સમાજવાદને એણે સંકલનાબદ્ધ વાર્તારૂપે રજૂ કરેલ છે. સમાજવાદને અત્યારની અંધાધૂંધીનો એકમાત્ર ઉગાર-માર્ગ ગણી એ હિમાયત કરે છે, એટલે જ એનો છેવટનો અંગુલિનિર્દેશ આ પુસ્તકમાં સમાજવાદ તરફ થયો છે – પણ તે ગર્ભિત રીતે થયો છે. પ્રચારકે કલાકારને છેક ભક્ષી નથી લીધો.

અપ્ટન સિંકલેરની જીવનકથા અહીં ન આપવામાં મારો ઉદ્દેશ એ કથાને વધુ શાંતિથી વધુ સારી રીતે રજૂ કરવાનો જ છે. સંક્ષેપમાં પતાવી દેવા જેવી એ કથા નથી. અપ્ટન સિંકલેરની આપવીતી એટલે એક બહુરંગી જીવનસંગ્રામ. યુવાન પ્રજાની પાસે ધરવા જેવી એ કથા છે. એની સાહિત્યકૃતિ, બીજા અનેક ગ્રંથલેખકોને વિશે હોય છે તેથી ઊલટી રીતે, એના આત્મઘડતરની તેમ જ એના કર્મજીવનની જબાન છે. એના અક્ષરદેહને એના ચારિત્ર્યથી જુદો પાડી શકાય તેમ નથી. એની

[8]