પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
શિવાજીની સુરતની લૂટ

ઘોડેસ્વારને મોટાં લશ્કરે દૂરથી જોયા, તેમ એક મોટા ટોળાને ધસમસ્યું આવતું તે ઘોડેસ્વારોએ પણ દીઠું. એક મોટા લશ્કર સામે બે માણસનો શો હિસાબ ? તેમાં જેણે લડાઈનું મ્હોં જોયલું નહિ, પણ નામ સાંભળતાં થરથર કાંપે, તેના મ્હોં આગળ તરવારોનો ઝગઝગાટ જણાય ત્યાં પછી તેનું હોસાન કેવું રહે ? પ્રજારાજ્યના લશ્કરે, (હવે આપણે એ નામે એને ઓળખીશું. તેના નિયમ ને તેની સ્થાપના કંઈ આવાજ સ્વરૂપપર થઈ છે.) જેમ નજીક આવવા માંડ્યું, તેમ તેમ બંને ઘોડેસ્વાર ગભરાયા ને તેનાથી બચવા બાજુની ગલીમાં પેસી ગયા. પણ તેટલામાં બે ધોડેસ્વાર નાગી તલવાર સાથે સામા આવી ઉભા. આ વખતના ભયનું પૂછવું જ શું ? આ બે સવાર તે મોતી બેગમ ને મણીગવરી હતાં, તે વાંચનારને જણાવવાની કંઈ જરૂર નથી.

સ્ત્રી જાતિ કોમળ હોય છે. તેનાથી ભય સામા ઝાઝીવાર ટકાતું નથી. અકસ્માત સમયે કયો માર્ગ લેવો તે તેને સૂઝવું મુશ્કેલ છે. તેની શક્તિ હમેશાં ઘરસંસાર ચલાવવાને અને મૃદુ મૃદુ હાસ્યવિનોદનું પ્રેમાળ બોલવાને નિર્માણ થયલી છે. તેનું સ્વરૂપ શીતળછત્ર નીચે રહેવા યોગ્ય છે. તેનો જુસ્સો શત્રુને મારવાનો નહિ, પણ તેનાં કાળજાં વિંધવાનો છે. તેના હાથ શીતળતા પમાડવાને અને તેનું મસ્તક ઘા ખમવા કરતાં ઉંફ આપવા માટે વધારે લાયક છે. આ સાધારણ સ્વરૂપ છે, તે છતાં સ્ત્રીઓ, સમયે જે પરાક્રમ બતાવે છે તે અતિ વિસ્મયતા પમાડનારું હોય છે.

“કૌન હૈ ઉધર !” આ બોલની સાથે બે તરવાર સામી ઝબૂકી.

“મારો ! મારો ! સબ સાલા પિંડારા હૈ !” એક સ્વાર બીજો ઉમેરાયો તે બોલ્યો.

ગોલી મારકર એકદમ જાન નિકાલ લેના, અપનકું બહોત દૂર જાના હૈ;” એક ચોથા પીસ્તોલ લઈને આવનાર સીપાહે કહ્યું.

“કિસ ખાતર ઈતની દેર લગાતે હો, તરવારકા કામ તરવારકું કરને દો.” આ કેવો બારીક સમય છે. સ્ત્રી જાત, પુરુષના લેબાસમાં !