પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શિવાજીની સૂરતની લૂટ

વારીને બાઈને ખુલાસો કીધો કે; “ખુદાવંદે, અબીકા અબી દુર્લભદાસકું પકડકર લાનેકા હુકમ દિયા હૈ, ઓર હમેરી રજ્જુ આવે, હમ સબ ઉસકા માન દેકર લે જાયગા, દુસરી ગડબડ કુચબી નહિ હૈ!” ગુલાબ શેઠાણીએ પોતાના ધણીપર આવેલી આફત જોઈને જમાદારને ઘરમાં બોલાવી બસો સોના મહોરની ભરેલી થેલી હાથમાં સેરવી દીધી અને કહ્યું કે, “જમાદાર સાબ ! જાકર નબાબસાબકું બોલો કે 'ઓ બનિયા તો ગામકું ગયા હૈ, કલ આયેગા તબ આપકી હજુરમાં આકર ખડા રહેગા.' જમાદાર ચાલ્યો ગયો. બીજે દિવસે બે હજાર સોના મ્હોરથી ભરેલો રૂપાને થાળો લઈને શેઠ સવારના પહોરમાં નવાબ સાહેબની હજુરમાં ગયા; અને નવાબ સાહેબના પગ આગળ ભેટ મૂકી નમ્રતાથી કહ્યું કે, “હું આપનું બચ્ચું છું ! ગમે મારો કે ઉગારો !”નવાબને રહેમ છુટી અને તેનો ગુન્હા માફ કરી શાલ પાધડીનો શિરપાવ આપીને ઘેર મોકલ્યો.

હમેશાં મોટાના ઘરનાં બૈરાંઓ ઘણું કરીને એદી, વાતુડાં, ધર્માંધ અને હલકાં લોક સાથે વાર્તાવિલાસ કરનારાં હોય છે, પણ આત્મારામ ભૂખણને ત્યાં જે સ્ત્રીઓ હતી, તે વિવેકી અને સદ્ગુણી તે વખતમાં ગણાતી હતી. તેઓ પોતપોતાનું કામ જાતે જ કરતી અને મર્યાદા, કુળલજજા, શિયળતા જાળવવામાં સારી રીતે વખણાતી ને પ્રસંગે પ્રસંગે પોતાના પતિઓને સારી રીતે સલાહ આપતી હતી. એ કુળ માટે નવાબનો એવો હુકમ હતો કે, જો પુરુષ આફતાબગીરી લે તો લેવા દેવી અને તે હુકમ મેળવવાનું માન પણ ગુલાબબાઈને જ ઘટતું હતું. છચોક નવાબ સાહેબ સાથે વાત કરવાની હિંમત ગુલાબબાઈએ ઘણી વખત કીધી હતી, અને નવાબ તેની બાહાદુરીનાં ઘણાં વખાણ કરતો હતો. હાલનાં મુડદાલ જેવાં અને માઈકાંકલાં, જાણે પગ મૂકે તો હમણાં પડી જશે, એવી સ્થિતિનાં બૈરાં તે વખતે વાણિયામાં ભાગ્યે જ હશે.