પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૩૦


પ્રકરણ ૧૫ મું
શત્રુની છાવણીમાં શત્રુથી બચાવ !

“અમીર સાહેબ લગાર ઉભા રહેશો ?”

કચેરી બરખાસ્ત થઈ અને ચોપદારે નેકી પોકાર્યા પછી સઘળા સભાજનો દુમાલની સામેના મેદાનમાં એકઠા થયા અને દ્વંદ્વયુદ્ધનો જે રંગ અખાડો મચવાનો હતો, તે જોવાને ધણા જુસ્સાથી તંબુની બહાર નીકળી ગયા. તાનાજીના મનમાં ભય હતો કે, એનું પરિણામ કેવું આવશે ! ને જો હાર થઈ તો ફજેતી થશે, ને મુવા વગર છૂટકો નથી, તેમ અમીરના મનમાં પણ એટલી જ દહેશત હતી. બંનેનાં કલેજાંપર કાંઈ પણ ત્રાહિત શખસ હાથ ધરે તો તે ઘણાં ધબકતાં જણાતાં હતાં; તથાપિ જેવા જુસ્સાથી તાનાજી માલુસરે ઉઠીને ઉભો થયો તેવા જ જુસ્સાથી, જરાપણ ખેંચાયા વગર એણે પણ પોતાનું પગલું આગળ ભર્યું.

પણ રમા, જે એક ઘણી કાબેલ સ્ત્રી હતી, અને જે આ જવાનની હિમ્મત, ચતુરાઈ અને સાહસિકપણું જોઈ મોહિત થઈ રહી હતી, તેણે જોયું કે કદાચિત અમીર જિતશે તો પણ તે જીવતો જવા પામશે નહિ. મુસલમાનોમાં જે કેટલાક અમીરી ગુણો છે, તે અમીરી ગુણો હિન્દુઓમાં નથી, તે રમા ઘણી સારી રીતે જાણતી હતી, ને તેથી એના મનમાં લાગ્યું કે જે મારા રક્ષણ માટે આ છાવણીમાં આવ્યો છે, તેનું રક્ષણ કરવું એ મારું કામ છે. જે વખત કચેરીમાં ખરેખરી તકરાર ચાલતી હતી, તે વખતે જ તેણે કેટલીક સૂચના કરવાનું નક્કી ધાર્યું હતું; પણ આસપાસ જે ચોકી પહેરા હતા તેમાંથી વાતચીત કરવી ઘણી ભય ભરેલી છે એમ ધારી તે અબોલ રહી, પણ તક જોયા કરતી હતી.

સઘળાઓ તંબુ છોડીને આગળ નીકળી ગયા ને સહુથી છેલ્લાં રમા અને આપણો જવાન અમીર બે જ રહ્યાં, ત્યારે લાગ જોઈને રમાએ આ અમીરને ઉભો રાખવાને માટે પોતાનો મોહક સાદ કહાડ્યો.