પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭
શત્રુની છાવણીમાં શત્રુથી બચાવ


“પૃથ્વીનાથ ! હું એક ગરીબ છોકરી માટે આપનો આટલો બધો ઉપકાર ન હોય ! મેં શું કીધું છે! માત્ર જે કામ તમે મારા રક્ષણ માટે ઉઠાવ્યું છે, તેનો એક ઘણો હલકો બદલો આપવા માંડ્યો છે.” પછી નીચે નમીને પગે લાગવાના ડોળથી બોલી - "જગત્પાલનકર્તા, ઓ નવાબ, તારી જેવી મહેરમારા પર છે, તેવી હંમેશાં રાખજે, પણ જરા પણ મને હીણતો નહિ. હું તારી જૂતીની ખાક છું, ને ગરીબ દાસીની સેવા કબૂલે છે તે તારી લાયકી છે. રામ કદી સવરીનાં આજીઠાં બોર આરોગે નહિ, પણ રામની ઘણી મહત્તા છે કે તેણે ગરીબ રાંકનો અનુગ્રહ કીધો તે જેટલી મોટાઈ પામ્યો છે તેટલી મોટાઈ તું પણ પામશે.” એમ બોલતી કે તે હઠી અને પાછી બોલી:-“હવે રામરામ સરકાર સાહેબ !”

“અયે ગુલ, ઓ ગુલાબ !” ઘણાં ગદગદિત વેણથી નવાબ બોલ્યોઃ-“અબ તૂ કિધર જાયગી ? મયઁ જંગકે મયદાનમેં ખડા રહૂંગા ઔર તૂ કયા કરેગી ! તેરા કયા હુકમ હય, ચાંદકે ટુકડે ?”

“મારો હુકમ સરકાર ? હું કિસ ગણતીમાં છું ! આ દાસી તમારો કોઈ પણ હુકમ બજાવવાને માટે તત્પર છે, હુકમ હોય તે ફરમાવો.” ઘણા પ્રેમથી રમા બોલી.

“મેરી યહી તમન્ના હય કે તુઝપરસે જાન કુરબાન કરું ?”

“નહિ સરકાર, હવે વખત નથી. તમારે જોઈયે તે કરજો, પણ હવે વખત ઘણો થેાડો છે ને કામ ઘણું કરવું છે.” એમ કહીને બંને તંબુના દરવાજા પાસે આવ્યાં. રમા નવાબનો ઘણો ફક્કડ ઘોડો હતો તેપર એકદમ ચઢી બેઠી અને ઘોડાને એડી મારી દોડાવવાની તૈયારી કીધી.”

“જાનેમન, કિધર જાએગી ?” નવાબે પૂછ્યું,

“સરકારને પાછી મળીશ, અને ત્યારે આ લોંડીને યાદ રાખજો.”

એમ કહેતી કે ઘોડાને એડ મારી ઘણા જુસ્સામાં તે મરાઠાની છાવણીમાંથી બહાર નીકળી ગઈ.